અમદાવાદ ખાતે રમાઈ રહેલી 2026 વર્લ્ડ પેરા તીરંદાજી સિરીઝના 3 જા તબક્કામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય તીરંદાજોએ આજે બે અલગ-અલગ મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં 2 ગોલ્ડ મેડલ અને મહિલા વિભાગમાં 1 સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.
રિકર્વ મેન્સ ડબલ્સમાં હરવિન્દર અને વિજયની જોડીએ ગોલ્ડ જીત્યો
પેરા રિકર્વ મેન્સ ડબલ્સની ફાઇનલ મેચમાં ભારત તરફથી રમી રહેલા હરવિન્દર સિંહ અને વિજય સુંદીની જોડીએ સ્લોવાકિયાની ટીમને 6-2 ના સ્કોરથી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નોંધનીય છે કે, આ જોડીનું વર્લ્ડ પેરા તીરંદાજી સિરીઝમાં આ સળંગ 3 જું ટાઈટલ છે. અગાઉ તેમણે બેંગકોક અને નોવે મેસ્ટો ખાતે રમાયેલા તબક્કામાં અનુક્રમે ચાઈનીઝ તાઈપેઈ અને યુક્રેનને હરાવીને શાનદાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
કમ્પાઉન્ડ મેન્સ ડબલ્સમાં તોમર-શ્યામ સુંદર બન્યા ચેમ્પિયન
રિકર્વ મેન્સ ડબલ્સ ઉપરાંત કમ્પાઉન્ડ વિભાગમાં પણ ભારતે ગોલ્ડ મેડલ પર અચૂક નિશાન સાધ્યું છે. કમ્પાઉન્ડ મેન્સ ડબલ્સની ખરાખરીની ફાઇનલ મેચમાં તોમર કુમાર અને શ્યામ સુંદર સ્વામીની જોડીએ ઈરાકના ખેલાડીઓ અલદાવૂદ અનવર અને કાદિમ અબ્બાસને 152-139 ના સ્કોરથી સજ્જડ પરાજય આપીને ડબલ્સનો તાજ પોતાના નામે કર્યો છે.
મહિલા રિકર્વ ડબલ્સમાં પૂજા-ભાવનાને સિલ્વર મેડલથી સંતોષ
બીજી તરફ, પેરા વિમેન્સ રિકર્વ ડબલ્સ ઇવેન્ટની ફાઇનલમાં ભારતની પૂજા જાત્યાન અને ભાવના ચૌધરીની જોડીનો સામનો ચીનની જોડી સામે થયો હતો. આ મેચમાં ભારતીય જોડીને ચીન સામે 6-0 થી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.
આ ઉપરાંત, વિમેન્સ કમ્પાઉન્ડ ડબલ્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી પાયલ નાગ અને શીતલ દેવીની જોડી ચીન સામે બ્રોન્ઝ મેડલ માટેની મેચ હારી જતા તેઓ આ ટુર્નામેન્ટમાં 4 થા સ્થાને રહ્યા હતા.