અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગઇકાલથી શરૂ થયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધામાં ભારતના તમામ આઠ તીરંદાજો આગામી રાઉન્ડમાં પહોંચ્યા છે. પ્રથમ દિવસે પેરા રિકર્વ ક્વોલિફિકેશન રાઉન્ડ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ યોજાયા હતા. જેમાં પુરુષ અને મહિલા રિકર્વ કેટેગરીમાં કુલ 39 તીરંદાજોએ ભાગ લીધો હતો. દરેક કેટેગરીમાં ચાર એમ ભારતના આઠ તીરંદાજોએ ભાગ લીધો હતો.
ભારતીય તીરંદાજોએ શાનદાર શરૂઆત કરી, જેમાં હરવિંદર સિંહે પેરા રિકર્વ પુરુષ ક્વોલિફિકેશનમાં 20 તીરંદાજોમાં ત્રીજું સ્થાન મેળવ્યું, જ્યારે ભાવનાએ પેરા રિકર્વ મહિલા ક્વોલિફિકેશનમાં 19 તીરંદાજોમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. મહિલા ક્વોલિફિકેશનમાં ઈન્ડોનેશિયા ટોચ પર રહ્યું, જ્યારે પુરુષ ક્વોલિફિકેશનમાં ઈરાને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આજે પેરા કમ્પાઉન્ડના તીરંદાજો મેદાનમાં ઉતરશે. જેમાં ભારતના અગ્રણી તીરંદાજો શીતલ દેવી, પાયલ નાગ અને રાકેશ કુમાર પણ સ્પર્ધામાં ભાગ લેશે.