અમદાવાદમાં આવતીકાલથી 9 સપ્ટેમ્બર દરમિયાન વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ દિવ્યાંગ તીરંદાજો માટે યોજાતી આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરાયું છે.
આ સ્પર્ધામાં વિવિધ 19 દેશોના 108 જેટલા તીરંદાજો ભાગ લેશે. આ સ્પર્ધાનો ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ આજે યોજાશે.
આ સ્પર્ધામાં ભારત તરફથી પેરિસ 2024 પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિન્દર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન અને પેરાલિમ્પિક પદક વિજેતા શીતલ દેવી, અર્જુન પુરસ્કાર વિજેતા રાકેશ કુમાર અને શ્યામ સુંદર સ્વામી જેવા પ્રખ્યાત ખેલાડીઓ ભાગ લેશે.
આ સ્પર્ધા 2026ની પેરા સિરીઝનો ત્રીજો તબક્કો છે. ચોથો અને અંતિમ તબક્કો ઓક્ટોબરમાં ચિલીના સેન્ટિયાગોમાં યોજાશે. આ સ્પર્ધામાં ભારત, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઈરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, સાયપ્રસ, ચેકિયા, ઇરાક, રશિયા અને શ્રીલંકા ભાગ લેશે.