મહિલા ક્રિકેટમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે T-20 એશિયા કપના ગ્રુપ Aના બીજા મેચમાં ભારત હોંગકોંગ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતીય મહિલા ટીમે રવિવારે દુબઈમાં થાઈલેન્ડ પર 94 રનથી શાનદાર વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.
દરમિયાન ગઈકાલે, દુબઈમાં ગ્રુપ Bમેચમાં, શ્રીલંકાએ ઈન્ડોનેશિયાને 75 રનથી હરાવ્યું. શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા બાદ, ઈન્ડોનેશિયાને 18 ઓવર અને 3 બોલમાં માત્ર 49 રનમાં ઓલઆઉટ કરી દીધું. શ્રીલંકા માટે ચમારી અથાપથુએ સાત વિકેટ ઝડપી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.
ભારત 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રથમ વખત હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ- દિવ્યાંગ તીરંદાજો માટે યોજાતી આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરશે. જેમાં 20 દેશોના 100થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા 2026ની પેરા સિરીઝનો ત્રીજો તબક્કો છે.
અગાઉ 30 જૂનથી 4 જુલાઈ દરમિયાન બેંગકોક અને ચેકિયાના નોવે મેસ્ટોમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. ચોથો અને અંતિમ તબક્કો ઓક્ટોબરમાં ચિલીના સેન્ટિયાગોમાં યોજાવાનો છે. આ સ્પર્ધાનુ ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે યોજાશે.
ગુજરાત સરકાર, ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, W1 અને દૃષ્ટિહીન શ્રેણીઓનો સમાવેશ થશે. આ સ્પર્ધામાં ભારત, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઈરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, સાયપ્રસ, ચેકિયા, ઇરાક, રશિયા અને શ્રીલંકા ભાગ લઈ રહ્યા છે.