ઓગસ્ટ 27, 2026 1:26 પી એમ(PM)

printer

મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ, માર્ગ વિકાસ માટે રૂ. 2 કરોડની ગ્રાન્ટ

 રાજ્યના વિવિધ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા અને છેવાડાના વિસ્તારો સુધી કનેક્ટિવિટી સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતી તમામ 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારોમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યો હાથ ધરવા માટે પ્રત્યેકને રૂપિયા 2 કરોડની વિશેષ વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારની 14 મહિલા ધારાસભ્યોને મળશે લાભ 

વિધાનસભામાં પ્રતિનિધિત્વ ધરાવતી શહેરી ક્ષેત્રની 9 અને ગ્રામ્ય વિસ્તારની 5 મળીને કુલ 14 મહિલા ધારાસભ્યોને આ વિકાસ ગ્રાન્ટનો સીધો લાભ મળશે. પ્રત્યેક ધારાસભ્યને રૂપિયા 2 કરોડની ફાળવણી થવાથી મહિલા ધારાસભ્યો પોતાના સંબંધિત મતવિસ્તારોમાં લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું સુવ્યવસ્થિત આયોજન કરી શકશે.

મતવિસ્તારોમાં રોડ-રસ્તાની પ્રાથમિક સુવિધાઓ થશે મજબૂત 

મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવનારી આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ તેમના વિસ્તારમાં રોડ-રસ્તા અને માળખાકીય સુવિધાઓની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે કરવામાં આવશે. જેમાં નવા માર્ગોના નિર્માણ, ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિસરફેસિંગ, આંતરિક જોડાણ રસ્તાઓ તેમજ નાગરિકોની અવરજવર માટે જરૂરી રોડ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વાહનવ્યવહાર અને કનેક્ટિવિટી વધુ સરળ બનશે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ વિકાસલક્ષી અભિગમના પરિણામે સંબંધિત તમામ મહિલા ધારાસભ્યોના મત ક્ષેત્રોમાં રોડ કનેક્ટિવિટી વધુ સરળ, ઝડપી અને સલામત બનશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેના પરિવહનમાં સુધારો થવાથી સામાન્ય નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવરમાં મોટી સુવિધા પ્રાપ્ત થશે.