સપ્ટેમ્બર 10, 2026 3:21 પી એમ(PM)

printer

પાટણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મોડલ ફાર્મની મુલાકાત લીધી : પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

પાટણ તાલુકાના મહેમદપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વિકસાવવામાં આવેલા ‘રામુ મોડલ ફાર્મ’ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી, રાસાયણિક ખેતી છોડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

7 વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરતું ‘રામુ મોડલ ફાર્મ’ 

કાંતિભાઈ પટેલ અને પ્રમોદભાઈ પટેલ સહિત 5 ભાઈઓના પરિવારે કોરોના કાળમાં 3 વીઘા જમીનમાં આ પ્રાકૃતિક ફાર્મ ઊભું કર્યું હતું. છેલ્લા 7 વર્ષથી અહીં રસાયણમુક્ત ખેતી થાય છે. ફાર્મમાં મિશ્ર પાક પદ્ધતિ દ્વારા આમળા, ચીકુ, જામફળ, શેરડી અને કઠોળનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે. મુલાકાત દરમિયાન રાજ્યપાલે આચ્છાદન, ઘન જીવામૃત, બીજામૃત અને દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટવાની માન્યતા ખોટી: રાજ્યપાલ 

ખેડૂતોને સંબોધતા રાજ્યપાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટે છે તે માન્યતા બિલકુલ ખોટી છે.” ડૉ. સ્વામીનાથનના અહેવાલનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે અગાઉ જમીનમાં ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5 ટકા હતો અને પ્રતિ હેક્ટર માત્ર 13 કિલો નાઈટ્રોજનની ભલામણ હતી. પરંતુ યુરિયા અને ડી.એ.પી. ના અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ છે. આજે ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.

દેશી ગાય અને કુદરતી વ્યવસ્થાનું વિશેષ મહત્વ 

રાજ્યપાલે કુદરતની વ્યવસ્થા સમજાવતા ઉમેર્યું હતું કે વૃક્ષ માત્ર 2 થી 4 ટકા પોષણ જમીનમાંથી લે છે, જ્યારે બાકીનો મોટો હિસ્સો સૂર્યપ્રકાશ અને હવામાંથી મેળવે છે. તેમણે દેશી ગાયના છાણમાં રહેલા સૂક્ષ્મજીવોને જમીનની જીવંતતા જાળવવા માટે અત્યંત ઉપયોગી ગણાવ્યા હતા. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો અને ‘આત્મા’ પ્રોજેક્ટના અધિકારીઓએ જીવામૃત બનાવવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ યોજ્યું હતું.

અધિકારીઓ અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિ 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.