સપ્ટેમ્બર 10, 2026 2:10 પી એમ(PM)

printer

ભારતીય પ્રવાસીઓ માટે ખુશખબર: થાઈલેન્ડે 30 દિવસ સુધી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી

થાઈલેન્ડના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિકોને હવે થાઈલેન્ડમાં પ્રવેશ માટે વિઝાની જરૂર રહેશે નહીં. આ નવી વિઝા મુક્તિ સુવિધા ચાલુ મહિનાની 15 તારીખથી લાગુ કરવામાં આવશે, જેના થકી ભારતીય નાગરિકો થાઈલેન્ડમાં 30 દિવસ સુધી મુક્તપણે રોકાણ કરી શકશે.

વિઝા મુક્તિ માટે જરૂરી દસ્તાવેજો અને નિયમો 

થાઈલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો અનુસાર, મુલાકાતીઓ પાસે આગમનની તારીખથી ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ હોવો ફરજિયાત છે. આ ઉપરાંત, પ્રવાસીઓ પાસે કન્ફર્મ રિટર્ન ટિકિટ, હોટેલ બુકિંગ અને સ્પષ્ટ ટ્રાવેલ પ્લાન હોવો પણ આવશ્યક છે. સૌથી અગત્યની બાબત એ છે કે, પ્રવાસીઓએ સત્તાવાર ઇમિગ્રેશન વેબસાઇટ પર જઈને થાઈલેન્ડ પહોંચ્યાના 72 કલાકની અંદર ‘ડિજિટલ અરાઇવલ કાર્ડ’ ભરવાનું રહેશે.

પ્રતિ પ્રવાસી 20,000 થાઈ બાહ્ટ રોકડ રાખવા ફરજિયાત 

આ વિઝા મુક્તિ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા પ્રત્યેક પ્રવાસીએ પોતાની પાસે ઓછામાં ઓછા 20,000 થાઈ બાહ્ટ એટલે કે ભારતીય રકમ મુજબ અંદાજે ૪૮,૦૦૦ થી ૫૦,૦૦૦ રોકડ રકમ સ્વરૂપે સાથે રાખવા પડશે. દૂતાવાસે સલાહ આપી છે કે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચતી વખતે પ્રવાસીઓએ પોતાના તમામ જરૂરી દસ્તાવેજો હાથવગા રાખવા. જો પ્રવાસીઓ ગ્રુપમાં મુસાફરી કરી રહ્યા હોય, તો પણ દરેક સભ્યએ પોતાના વ્યક્તિગત દસ્તાવેજો અલગથી પોતાની પાસે રાખવા પડશે.

નોકરી માટે જતા લોકો અને ટ્રાન્ઝિટ મુસાફરો માટે ખાસ સૂચના 

દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે જે પ્રવાસીઓને થાઈલેન્ડમાં નોકરીની ઓફર મળી છે, તેમણે આ વિઝા મુક્તિ સુવિધાનો ઉપયોગ ટાળવો જોઈએ અને નિયમ મુજબ યોગ્ય વિઝા મેળવવા જોઈએ. તદુપરાંત, જે મુસાફરો થાઈલેન્ડથી પસાર થઈને અન્ય દેશમાં જવાના છે, તેમણે પોતાના અંતિમ મુકામ માટે જરૂરી તમામ સંબંધિત દસ્તાવેજો અને વિઝા પોતાની સાથે રાખવા અનિવાર્ય છે.