પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ લોડિંગ ક્ષેત્રે એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ગઈકાલે અમદાવાદ મંડળે એક જ દિવસમાં 91 રેક લોડ કરીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. આ સિદ્ધિએ રેલવેના પરિચાલન ઇતિહાસમાં નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે.
માત્ર 4 દિવસમાં પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો
અમદાવાદ મંડળે પોતાની જ કાર્યક્ષમતામાં સતત સુધારો લાવીને માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં પોતાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. આ અગાઉ 5 સપ્ટેમ્બર 2026 ના રોજ મંડળે એક દિવસમાં 85 રેક લોડ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જેને પાછળ છોડીને હવે 9 સપ્ટેમ્બરે 91 રેક લોડ કરી પોતાની કાર્યકુશળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કન્ટેનર, જમ્બો અને ખાતરના રેક લોડિંગમાં નોંધપાત્ર કામગીરી
9 સપ્ટેમ્બરના રોજ નોંધાયેલી આ સિદ્ધિમાં માલસામાનની વિવિધ શ્રેણીઓનો સમાવેશ થાય છે. મંડળ દ્વારા એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 28 જમ્બો રેક લોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કુલ 47 કન્ટેનર રેક રવાના કરાયા હતા, જેમાં 23 ડબલ-સ્ટેક કન્ટેનર રેકનો પણ સમાવેશ થાય છે. કૃષિ ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે 19 ખાતર રેક અને સંબંધિત વિસ્તારો માટે 8 મીઠાના રેકનું સફળતાપૂર્વક લોડિંગ કરવામાં આવ્યું હતું.
DRM વેદ પ્રકાશ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન
આ ઐતિહાસિક સિદ્ધિ મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશના નેતૃત્વમાં સમગ્ર ટીમની સખત મહેનત, સતર્કતા અને શ્રેષ્ઠ સંકલનનું પરિણામ છે. DRM વેદ પ્રકાશે અમદાવાદ મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ ઉલ્લેખનીય સિદ્ધિ માટે વધામણી આપતાં જણાવ્યું હતું કે, આ સફળતા ટીમના સામૂહિક પ્રયત્નો, ઉત્તમ સંકલન અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનનું પરિણામ છે.