સપ્ટેમ્બર 8, 2026 6:27 પી એમ(PM)

printer

ક્વિઝમાં જોડાવા આહવાન : વિજેતાઓ PM મોદી સમક્ષ વિચારો રજૂ કરવાની મળશે સુવર્ણ તક

વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારના ‘માય ભારત’ પોર્ટલ દ્વારા ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-2027 ક્વિઝ’ નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના 15 થી 29 વર્ષની વયના યુવાનોને આ રાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે જિલ્લા યુવા અધિકારી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

22 ભાષાઓમાં યોજાશે ક્વિઝ, 5 તબક્કામાં થશે પસંદગી 

ભારત સરકાર દ્વારા આયોજિત આ વિશેષ ક્વિઝ કુલ 22 ભાષાઓમાં યોજાવા જઈ રહી છે. જેમાં ભારતનો સમૃદ્ધ વારસો, દેશની સિદ્ધિઓ અને ‘વિકસિત ભારત @2047’ સંબંધિત વિષયોને આવરી લેવામાં આવ્યા છે. યુવાનોની પસંદગી ‘વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક’ હેઠળ કુલ 5 તબક્કામાં થશે. જેમાં 17 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026 સુધી ક્વિઝ, 5 થી 9 ઓક્ટોબર દરમિયાન નિબંધ લેખન, 10 થી 16 નવેમ્બર સુધી ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ (PPT), 17 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી સ્ટેટ લેવલ (PPT) અને અંતિમ તબક્કા તરીકે 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન નેશનલ ડાયલોગ યોજાશે.

રાષ્ટ્રીય મુદ્દાઓ પર ઉકેલ દર્શાવવા મળશે મોટું પ્લેટફોર્મ 

આ સમગ્ર સ્પર્ધાત્મક પ્રક્રિયા દરમિયાન યુવાનોને સુશાસન, ટેકનોલોજી, રોજગારી, પર્યાવરણ, ઉદ્યોગસાહસિકતા, ગ્રીન ગ્રોથ અને બ્લુ ઇકોનોમી જેવા રાષ્ટ્રીય મહત્વના વિષયો પર પોતાના વિચારો અને ઉકેલો રજૂ કરવાની તક મળશે. સૌથી મોટી બાબત એ છે કે, રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા વિજેતા યુવાનોને નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાનું વિઝન રજૂ કરવાની અમૂલ્ય તક મળશે. આ ઉપરાંત, આ જ માધ્યમથી યુવાનો ‘વિકસિત ભારત યુવા સંસદ’ માં પણ ભાગ લઈ શકશે.

અમદાવાદના યુવાનોને સક્રિય ભાગીદારી નોંધાવવા તંત્રનું આહવાન 

માય ભારત, અમદાવાદના જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “યુવાનોનું જ્ઞાન, પ્રતિભા, સર્જનાત્મકતા, નવીનતા અને નેતૃત્વ ક્ષમતા એ વિકસિત ભારતના નિર્માણની મજબૂત આધારશિલા છે.” પાત્રતા ધરાવતા યુવાનો આ ક્વિઝમાં ભાગ લેવા માટે MY Bharat ની સત્તાવાર વેબસાઇટ (https://mybharat.gov.in/vbyld-2027) પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.