ઓક્ટોબર 20, 2026 3:29 પી એમ(PM)

printer

વિજયાદશમીની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન

અસૂરી શક્તિ પર દૈવીશક્તિનો વિજય એટલે વિજયાદશમી. આજે રાજ્યની સાથેસાથે સમગ્ર દેશમાં વિજયાદશમીની ઉત્સાહ, ઉમંગ અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના તહેવાર નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના જાપાનના પ્રવાસ દરમિયાન સૌને આજના ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી.

આજે વિજયાદશમી નિમિત્તે રાજ્યભરમાં અસુરરૂપી રાવણના પૂતળાંનું દહન કરવા માટેના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આજે સાંજે અમદાવાદમાં મુખ્યમંત્રી થલતેજ ખાતે રાવણના 51 ફૂટના પૂતળાના દહન કાર્યક્રમાં ભાગ લેશે.

જ્યારે ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ શહેરો, નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં સાંજે રાવણ દહનના કાર્યક્રમ યોજાયા છે. આ ઉપરાંત આજે સવારથી જ લોકો દશેરા નિમિત્તે ફાફડા જલેબીનો આસ્વાદ લઇ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના મહાનગરો, નગરો અને ગ્રામ વિસ્તારોમાં ફાફડા જલેબી ખરીદવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. દશેરાના દિવસે ફાફડા જલેબી આરોગવાનું વિશેષ મહત્વ છે.