ઓક્ટોબર 21, 2026 8:42 એ એમ (AM)

printer

રાજ્યભરમાં રાવણ દહન શસ્ત્ર પૂજન સાથેદશેરાની ઉત્સાહપૂર્વક ઉજવણી

દશેરા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શસ્ત્ર પૂજન કાર્યક્રમો યોજાયા હતાં.

છોટાઉદેપુર પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખએ આ પ્રસંગે જનતાની રક્ષણ માટે આપેલા શસ્ત્રોનું પૂજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત ‘વિજયાદશમી મહોત્સવ–રાવણ દહન’ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને  ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી તથા રાજ્યના ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ નાગરિકોને વિજયાદશમી પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા સૌએ સામૂહિક યોગદાન આપવું જોઈએ.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભગવાન શ્રીરામના આશીર્વાદ સમગ્ર દેશ પર સદાય વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. 

મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ભાવનગરમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન માટે સતત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા બદલ જીતુભાઈ વાઘાણી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.

આ પ્રસંગે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ સાથે વિજયાદશમી પ્રસંગે ભાવનગરમાં ગરાસિયા સમાજ અને પોલીસ તંત્ર દ્વારા પરંપરાગત રીતે  શસ્ત્રપૂજન કરાયું હતું.

ગાંધીનગરમાં રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમ આયોજન કરાયું હતું.   ધારાસભ્ય રીટાપટેલે જણાવ્યું હતું કે ,  છેલ્લા ત્રણ વર્ષથી રામલીલા અને રાવણ દહન દ્વારા નગરજનોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર અને અશ્વ પૂજન કરાયું. વલસાડ SP યુવરાજસિંહ જાડેજાએ નાગરિકોને શુભકામનાઓ પાઠવીને જણાવ્યું કે, આ પૂજન પ્રજાના રક્ષણ માટે જરૂરી શક્તિની આરાધના છે.

તાપી જિલ્લાના વ્યારા ખાતે દશેરા પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા મનલામેશ્વર મંદિર ખાતે પહોંચ્યા બાદ રાવણ દહનના કાર્યક્રમ યોજાયો હતો.

25 વર્ષ બાદ છોટા ઉદેપુરમાં દશેરાનો મેળો યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ આમ મુજબ જણાવ્યું હતું.

વિજયાદશમીના પર્વે ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજન યોજાયું હતું. આ પ્રસંગે એસ.પી.એ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી.

પાલનપુરના રામલીલા મેદાનમાં પણ રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. 

મહીસાગર જીલ્લાના સંતરામપુરમાં યોજાયેલા રાવણ દહન કાર્યક્રમમાં  સંતરામપુરના રાજવી, ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ  સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 સાબરકાંઠા જિલ્લામાં વિજયાદશમી પર્વ નિમિત્તે  હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને તલોદ સહિતના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા.