સપ્ટેમ્બર 3, 2026 3:23 પી એમ(PM)

printer

જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાતી સંગીત ક્ષેત્ર માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહાન સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર અને જાણીતા સંગીતકાર-ગાયક ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી સંગીત જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે અને એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે.

પિતાની સંગીત પરંપરાને આપી નવી ઊંચાઈ 

ગૌરાંગ વ્યાસને સંગીતનો સમૃદ્ધ વારસો તેમના પિતા અને ગુજરાતના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસ પાસેથી મળ્યો હતો. તેમણે આ સંગીત પરંપરાને માત્ર સાચવી જ નહીં, પરંતુ પોતાની મૌલિક પ્રતિભા અને કલાથી એક આગવી ઓળખ પણ સ્થાપિત કરી હતી. ગુજરાતી સુગમ સંગીત અને લોકસંગીતને નવી ક્ષિતિજો પર લઈ જવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.

100 થી વધુ ફિલ્મોમાં સંગીત અને અનેક સન્માનો 

એક વિરલ સર્જક તરીકે ગૌરાંગ વ્યાસે 100 થી વધુ ફિલ્મોમાં પોતાનું કર્ણપ્રિય સંગીત આપ્યું હતું. તેમણે લતા મંગેશકર અને કિશોર કુમાર જેવા ભારતીય સંગીત જગતના દિગ્ગજ કલાકારો સાથે કામ કરીને અવિસ્મરણીય જોડાણ ઊભું કર્યું હતું. ગુજરાતી સંગીતમાં તેમના આ શ્રેષ્ઠ અને અવિરત પ્રદાન બદલ તેમને 11 જેટલા સ્ટેટ એવોર્ડ્સ એનાયત કરાયા હતા. આ ઉપરાંત, વર્ષ 2022 માં તેમને પ્રતિષ્ઠિત ‘લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો ઊંડો શોક 

ગૌરાંગ વ્યાસના નિધન પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “તેમણે તેમના પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવીને ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાના માટે એક અનોખું સ્થાન બનાવ્યું છે.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “ગૌરાંગ વ્યાસના નિધનથી ગુજરાત એક પ્રતિભાશાળી સર્જકની ખોટ અનુભવે છે અને ગુજરાતી સંગીત જગતમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.”