વાવ-થરાદ જિલ્લાના નાગલા ગામના 371 લાભાર્થી પરિવારોને પુનર્વસન યોજના અંતર્ગત પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે નાગલા ગામમાં પુનર્વસનની પ્રક્રિયા વર્ષ 2016-17 થી શરૂ થઈ હતી, પરંતુ જમીન અને વહીવટી મંજૂરીઓની જટિલતાને કારણે વર્ષો સુધી આ મામલો વિલંબિત રહ્યો હતો.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ પ્રશ્નને પ્રાથમિકતા આપી કરેલા સતત ફોલોઅપ અને રજૂઆતોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા પુનર્વસન યોજનાને અંતિમ મંજૂરી મળી હતી. વહીવટી તંત્ર દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપભેર પૂર્ણ થતાં આજે 371 પરિવારોને પોતાના ઘરના પ્લોટની સનદ મળી શકી છે.
જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પોતાના હકના પ્લોટની સનદ મળતાં લાભાર્થી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.