તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. તહેવારોના સમયમાં કાયદો વ્યવસ્થા, ટ્રાફિક સહિતનાં મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આગામી તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે ગુજરાત પોલીસની તૈયારીઓની સમીક્ષા કરાઇ હતી. રાજ્ય પોલીસ વડા જી એસ મલીક સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત હર્ષ સંઘવીએ દિવાળી પર્વ નિમિત્તે અમદાવાદની ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલના મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા નિર્મિત દીવડાઓની ખરીદી કરી અને તેમની સાથે દીવા પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, મનોદિવ્યાંગ દર્દીઓની સર્જનાત્મકતાથી બનેલા આ દીવા ખુશીઓ અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. તેમણે દર્દીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમની આ કુશળતાને બિરદાવી હતી.