ભાવનગર કાજલ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ છે.
ભાવનગરના બસ સ્ટેન્ડમાં બે મહિના પૂર્વે લિવઈન પાર્ટનરની હત્યા નિપજાવનાર યુવકને કોર્ટે માત્ર 31 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી આજીવન કેદની સજાનો ચુકાદો આપ્યો છે.
આ કેસ અંગે માહિતી આપતા અમારા પ્રતિનિધિ જણાવે છે 3 સપ્ટેમ્બર, 2026ના રોજ ફૈઝલ ખાટકી નામના યુવકે આડા સંબંધની શંકા રાખીને પોતાની સાથે લિવઈનમાં રહેતી કાજલ બારૈયા નામની યુવતીની જમીન પર પછાડીને હત્યા નિપજાવી હતી. આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના CCTVમાં કેદ થઈ હતી.
4 સપ્ટેમ્બરે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી અને એક મહિનાની અંદર જ 4 ઓક્ટોબરે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવી હતી. કોર્ટે દ્વારા 31 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી સજાનું એલાન કરવામાં આવ્યું. કોઈ કેસમાં 31 દિવસમાં જ ટ્રાયલ પૂર્ણ કરી સજાનું એલાન કરાયું હોય એવો ભાવનગરનો આ પ્રથમ કેસ છે.