રક્ષાબંધન પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા કકવાડી ગામની રૂપા માતા સ્વસહાય જૂથની બહેનોએ સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની આર્થિક સહાય અને પોતાના પરિશ્રમ થકી આ બહેનોએ 3000 જેટલી આકર્ષક રાખડીઓ બનાવીને બજાર કરતા અડધા ભાવે વેચાણ શરૂ કર્યું છે, જેને સ્થાનિક લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
કોરોનાકાળમાં શરૂ થયેલો વિચાર આજે બન્યો રોજગાર
કકવાડી ગામના પટેલ ફળિયામાં કાર્યરત રૂપા માતા સ્વસહાય જૂથનાં પ્રમુખ અર્પિતાબેન પટેલના જણાવ્યા મુજબ, કોરોનાકાળમાં રોજગાર બંધ થતાં બહેનોએ ઘરે બેઠા ભેગા મળીને રાખડી બનાવવાનો વિચાર કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં મળેલી સફળતાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો. ગત વર્ષે આ બહેનોએ 2000 રાખડીઓ બનાવી હતી, જે સંપૂર્ણ વેચાઈ ગઈ હતી. આ વર્ષના ઉત્સાહને જોતા તેમણે 3000 રાખડીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 2000 રાખડીઓનું વેચાણ થઈ ચૂક્યું છે.
બજાર કરતાં અડધા ભાવે, 10 થી 100 રૂપિયામાં ઉપલબ્ધ
બજારમાં સામાન્ય રીતે 100 થી 200 રૂપિયામાં મળતી રાખડીઓની સામે આ જૂથની બહેનો ગુણવત્તાયુક્ત અને સુંદર રાખડીઓ માત્ર 50 થી 100 રૂપિયાના પોસાય તેવા ભાવે વેચી રહી છે. ગરીબ વર્ગની બહેનો પણ પોતાના વીરાને રાખડી બાંધી શકે તે હેતુથી 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની કિંમતની વેરાયટીઓ તૈયાર કરવામાં આવી છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ફોટા અને રીલ્સ મૂકીને તથા ગામની દુકાનો મારફતે આ રાખડીઓનું આધુનિક ઢબે વેચાણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારની લોનથી મહિલાઓને મળ્યું નવું બળ
જૂથના મંત્રી વિદુલાબેન પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, શરૂઆતમાં કાચો માલ ખરીદવા માટે બહેનો પાસે નાણાંકીય મુશ્કેલી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સ્વસહાય જૂથને માત્ર 2 ટકાના વ્યાજદરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આ લોનમાંથી 30 હજાર રૂપિયાનો ઉપયોગ કરી અમદાવાદ, વડોદરા અને સુરતથી કાચો માલ લાવી બહેનોએ નવી ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરી છે. આ સહાયથી થતી બચત બહેનોના પરિવારના જીવનનિર્વાહ માટે મોટો આર્થિક ટેકો બની છે.
માછીમાર સમાજમાં બોટને રાખડી બાંધવાની અનોખી પરંપરા
કાંઠા વિસ્તારના કકવાડી સહિતના ગામોમાં માછીમાર સમાજની વસ્તી વધુ હોવાથી અહીં રાખડીની એક આગવી પરંપરા જોવા મળે છે. રક્ષાબંધન પહેલા માછીમારો સમુદ્ર ખેડવા જતા હોવાથી તેઓ અગાઉથી રાખડીઓ ખરીદી લે છે. દરિયામાં જતા પહેલા માછીમારો તેમની બોટને પણ રાખડી બાંધે છે. આ ઉપરાંત, અન્ય રાજ્યોમાંથી આવતા ખલાસીઓને બોટ માલિકના પરિવારની બહેનો રાખડી બાંધીને ભાઈ-બહેનના સ્નેહનો અહેસાસ કરાવે છે. આ અનોખી પરંપરાના કારણે સ્થાનિક રાખડીઓની માંગમાં વિશેષ વધારો જોવા મળ્યો છે.