સપ્ટેમ્બર 8, 2026 2:51 પી એમ(PM)

printer

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દેશના વેપારની કરોડરજ્જુ, સમય અને ખર્ચમાં મોટો ઘટાડો : PM મોદી

08 સપ્ટેમ્બર 2026, વડોદરા, શબ્દ ગુજરાત : વડોદરા ખાતે આયોજિત ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ફાયદાઓ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ડબલ-સ્ટેક કન્ટેનર માલવાહક ટ્રેનો મુસાફરીનો સમય, ઇંધણ અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને ભારતના પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. 

એક જ ટ્રીપમાં 250 ટ્રક જેટલો માલ વહન 

પ્રધાનમંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) અને વડોદરા વચ્ચે ડબલ-સ્ટેક કન્ટેનર માલવાહક ટ્રેન દોડાવવામાં આવી છે. આ ટ્રેન એક જ ટ્રીપમાં 250 થી વધુ ટ્રક જેટલો માલ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ટીકાકારો પર કટાક્ષ કરતા પીએમ મોદીએ ‘નારાજ ફૂફા’ ના કાલ્પનિક વાંધાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ પ્રશ્ન ઉઠાવે છે કે માલસામાન રેલવેમાં જશે તો ટ્રક ડ્રાઇવરો અને માલિકોનું શું થશે.

2014 પહેલા પ્રોજેક્ટનું 1 કિલોમીટર કામ પણ નહોતું થયું 

DFC ની જૂની સ્થિતિ યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલાની સરકારના 7 થી 8 વર્ષના શાસનમાં આ પ્રોજેક્ટનો 1 કિલોમીટર પણ પૂર્ણ થયો ન હતો. પરંતુ 2014 પછી ગુજરાતના અનુભવોના આધારે આ પ્રોજેક્ટને વેગ આપવામાં આવ્યો. આજે 2800 કિલોમીટર લાંબા પૂર્વીય અને પશ્ચિમી કોરિડોર દેશના વેપાર અને વાણિજ્યની કરોડરજ્જુ બની ગયા છે, જેના પર દરરોજ 430 થી વધુ માલવાહક ટ્રેનો દોડી રહી છે.

મુસાફરીના સમયમાં અડધાથી વધુનો ઘટાડો 

કોરિડોરના ફાયદા જણાવતા પીએમ મોદીએ કહ્યું કે, જે માલગાડી પહેલા 100 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 6.5 કલાક લેતી હતી, તે હવે અડધાથી પણ ઓછા સમયમાં આ અંતર કાપે છે. તેવી જ રીતે, ટ્રક દ્વારા જે મુસાફરીમાં 30 કલાક લાગતા હતા, તે ડીએફસી પર 10 થી 12 કલાકમાં પૂર્ણ થાય છે. આનાથી ઇંધણ બચે છે, માલવાહક ખર્ચ ઘટે છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે.

વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની ભેટ 

કાર્યક્રમમાં યુવા વર્ગ માટે મોટી જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ટોચના શિક્ષકો દ્વારા મફત ઓનલાઈન કોચિંગ આપવા માટે કામ કરી રહી છે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડતો કોચિંગ ફીનો આર્થિક બોજ નોંધપાત્ર રીતે ઘટશે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ અગાઉ પીએમ મોદીએ વડોદરામાં 35,000 કરોડ રૂપિયાથી વધુના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, રેલવે, હાઇવે અને ગુજરાત સરકારના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તમામ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં ભારતના આર્થિક વિકાસને નવી ગતિ પ્રદાન કરશે.