વડોદરા શહેર અને જિલ્લામાં એક હજાર 297 કરોડ રૂપિયાના વિકાસ કામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભેટ આપતા કહ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સકારાત્મક અભિગમ સાથે આગળ વધવાની જરૂર છે. સમરસતા અને એકતાના સંદેશને આત્મસાત કરીને સૌને સાથે મળીને આગળ વધવા મુખ્યમંત્રીએ આહ્વાન કર્યુ હતું. વડોદરા જિલ્લાના વરણામા ત્રિમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ગંભીરા બ્રિજ, ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના મેમોરિયલનું પણ લોકાર્પણ કરાયુ હતું.
વડોદરામાં સેવા સંકલ્પ અભિયાનની સાથે અંદાજે 29 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિ સ્મારકનું લોકાર્પણ સોનામાં સુગંધ ભળે તેવો પ્રસંગ છે. બાબા સાહેબની ૧૨ ફૂટની ઊંચી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત મ્યુઝિયમ, ડિજિટલ શો, લાઇબ્રેરી અને ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યા છે. ગત એક દશકમાં દેશમાં સાચા અર્થમાં સામાજિક સમરસતા સ્થપાઈ છે.