સપ્ટેમ્બર 5, 2026 1:04 પી એમ(PM)

printer

UGC-NET 2026: ભૂલોની ફરિયાદો બાદ 3 વિષયોની પુનઃપરીક્ષા જાહેર, એડમિટ ઇશ્યૂ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી UGC-NET જૂન 2026 ની પુનઃપરીક્ષા માટે એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉ લેવાયેલી પરીક્ષામાં કેટલીક ખામીઓ સર્જાતા અંગ્રેજી, વાણિજ્ય (કોમર્સ) અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય કરાયો હતો, જેના માટે ઉમેદવારો હવે વેબસાઈટ પરથી પોતાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે.

પેપરમાં ભૂલોની ફરિયાદો ઉઠતા લેવાયો મોટો નિર્ણય 

ઉલ્લેખનીય છે કે, અગાઉ લેવાયેલી યુજીસી-નેટ પરીક્ષા દરમિયાન અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર એમ ત્રણ વિષયોના પેપરમાં અનેક ગંભીર ભૂલો હોવાની ઉમેદવારો દ્વારા વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને NTA દ્વારા પરીક્ષાની પારદર્શિતા જાળવવાના હેતુથી આ ત્રણેય વિષયોની પરીક્ષા રદ કરી તેને ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જ જાહેરાતના ભાગરૂપે હવે નવું સમયપત્રક અને એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે.

પરીક્ષાની તારીખ અને શિફ્ટનો સમય નક્કી કરાયો

 NTA દ્વારા જાહેર કરાયેલા નવા શેડ્યૂલ મુજબ, 9 સપ્ટેમ્બરના રોજ પ્રથમ શિફ્ટમાં સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અંગ્રેજી વિષયનું પેપર લેવામાં આવશે. ત્યારબાદ તે જ દિવસે, એટલે કે 9 સપ્ટેમ્બરે બીજી શિફ્ટમાં બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન વાણિજ્ય વિષયની પરીક્ષા યોજાશે. જ્યારે સમાજશાસ્ત્ર વિષયની પુનઃપરીક્ષા 10 સપ્ટેમ્બરના રોજ પ્રથમ શિફ્ટમાં સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે.

ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે 

આ પરીક્ષામાં ભાગ લેવા જઈ રહેલા તમામ ઉમેદવારોને NTA દ્વારા સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના લોગિન ઓળખપત્રો (એપ્લિકેશન નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખ) નો ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પરથી તાત્કાલિક પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લે.