રાજ્યભરમાં આજથી “સ્વચ્છતા હી સેવા–અભિયાનનો રાજ્યવ્યાપી આરંભ થશે.
આ અભિયાન 17 ઓક્ટોબર, સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારીને તેને એક વિશાળ જનઆંદોલન બનાવવાનો અને સ્વસ્થ ગ્રામ્ય પર્યાવરણનું નિર્માણ કરવાનો છે. અભિયાનના પ્રારંભે ગ્રામ પંચાયત તથા તાલુકા કક્ષાએ જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને જનસમુદાય દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવામાં આવશે તથા સ્વચ્છતા રેલીઓ યોજાશે. આ અભિયાન અંતર્ગત એક મહિના દરમિયાન સામૂહિક શ્રમદાન, જનભાગીદારી – સ્વચ્છ પર્વ, હરિત પર્વ, સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને સઘન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
જાહેર સ્થળો, બજારો, શાળાઓ, આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રો, તળાવો અને નાળાઓ જેવા સ્થળોએ વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે. શાળાના બાળકો અને યુવાનોમાં સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન કરવા માટે વિવિધ શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે. અભિયાન દરમિયાન સફાઈની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વિશેષ ‘સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર’નું આયોજન કરી તેઓનું બહુમાન કરવામાં આવશે.