સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગભેણી ચોકડી નજીક આજે સવારે 2 દુકાનોમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ દરમિયાન ઓઇલના 2 ડ્રમમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ઓઇલના ડ્રમમાં પ્રચંડ વિસ્ફોટ થતાં છતના પતરાં ઊડ્યા
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સચિન વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલા બસેરા નગર નજીક આજે સવારે અચાનક 2 દુકાનોમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ દરમિયાન દુકાનોમાં રાખવામાં આવેલા વેસ્ટ ઓઇલથી ભરેલા 2 ડ્રમમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ધડાકો એટલો તીવ્ર હતો કે દુકાનની છતના પતરાં હવામાં ઊડીને દૂર જઈ પડ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
પાર્ક કરેલા 4 વાહનો આગની ઝપેટમાં બળીને ખાખ
આગની જવાળાઓ એટલી પ્રચંડ હતી કે તેણે દુકાનની બહાર પાર્ક કરાયેલા વાહનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ ઘટનામાં 3 આઇશર ટ્રક અને 1 છોટા હાથી ટેમ્પો મળીને કુલ 4 વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આ ઉપરાંત, દુકાનોની અંદર રાખેલો તમામ સામાન પણ બળીને નષ્ટ થઈ ગયો હતો. જેના પરિણામે દુકાન માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
7 ફાયર સ્ટેશનની 9 ગાડીઓએ 1 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો
આગ અને બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. શહેરના અલગ-અલગ 7 ફાયર સ્ટેશનમાંથી કુલ 9 જેટલા ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરના જવાનોએ સતત 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેનાથી મોટી જાનહાનિ અને આસપાસની દુકાનોમાં આગ પ્રસરતી અટકી હતી.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
આ ભયાવહ ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળનું સંભવિત કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.