સપ્ટેમ્બર 7, 2026 3:38 પી એમ(PM)

printer

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 100મું સફળ અંગદાન: 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

શ્રાવણ માસના દિવસોમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 100મું સફળ અંગદાન પાર પડ્યું છે. નવસારીના 56 વર્ષીય ખેતમજૂર બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારે 2 કિડની અને 1 લિવરનું દાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષ્યું છે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રીએ હાજર રહી પીડિત પરિવારને સાંત્વના પાઠવી તેમની ઉમદા ભાવનાને બિરદાવી હતી.

ખેતરમાં કામ કરતી વખતે અચાનક બેભાન થયા હતા 

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંબાડા ગામના બીલી ફળિયામાં રહેતા 56 વર્ષીય ખેતમજૂર ભલાભાઈ છગનભાઈ હળપતિ ગત 5 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે તેઓ અચાનક બેભાન થઈ જતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ નવસારી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાત્રે 10:34 વાગ્યે સુરતની નવી સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તબિયતમાં કોઈ સુધારો ન જણાતા 6 સપ્ટેમ્બરના રોજ ન્યુરો સર્જન અને તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પરિવારની સંમતિ અને 3 દર્દીઓને નવજીવન 

સ્વજન ગુમાવવાના ઘેરા આઘાત વચ્ચે પણ ભલાભાઈના પત્ની લલિતાબેન અને સંતાનો સોનલબેન, રેખાબેન તથા ઉત્તમભાઈએ સમાજને પ્રેરણા પૂરી પાડતો અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભલાભાઈની 2 કિડની અને 1 લિવરનું દાન કરવામાં આવ્યું હતું, જેને અમદાવાદની IKDRC હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગોના પ્રત્યારોપણ થકી અન્ય 3 વ્યક્તિઓને નવું જીવન પ્રાપ્ત થયું છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. પારૂલ વડગામા અને ડૉ. કેતન નાયકના માર્ગદર્શન હેઠળ મેડિકલ અને નર્સિંગ સ્ટાફે આ સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી હતી.

આરોગ્ય મંત્રીએ આપી શ્રદ્ધાંજલિ 

આ અંગદાન બાદ નવી સિવિલ ખાતે આયોજિત સદ્ગતની પ્રાર્થના સભામાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરિવારને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે, “માનવીનું જીવન પૂરું થઈ શકે છે, પરંતુ માનવતા ક્યારેય પૂરી થતી નથી. એક સામાન્ય પરિવારની આ વિરાટ ભાવના ખરેખર વંદનીય છે.” આ ઉપરાંત, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખે પણ શ્રાવણ માસમાં થયેલા આ મહાદાન માટે હળપતિ પરિવારનો આભાર માની નાગરિકોને અંગદાનના સંકલ્પ માટે આગળ આવવા અપીલ કરી હતી.