સપ્ટેમ્બર 1, 2026 3:46 પી એમ(PM)

printer

સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યાનો વ્યવહારુ ઉકેલ: મંત્રી પ્રફુલ પાનશેરિયાની SMC સાથે બેઠક

સુરત શહેરમાં લાંબા સમયથી પડકારરૂપ બનેલા હોટફિક્સ અને પ્લાસ્ટિક કચરાના નિકાલની સમસ્યાના નિરાકરણ માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરની સ્વચ્છતા જાળવવાની સાથે નાના કારીગરોની રોજગારીને અસર ન થાય તેવો મધ્યમ માર્ગ કાઢવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

હોટફિક્સ કચરાના નિકાલ માટે અલગ પ્લોટની વિચારણા 

સુરતના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ જેવા વિસ્તારોમાં હોટફિક્સ કચરાની મોટી સમસ્યા છે. હોટફિક્સ કચરો ઔદ્યોગિક શ્રેણીમાં આવે છે અને તે સિંગલ-યુઝ પ્લાસ્ટિક હોવાની સાથે ગુંદરનું પડ ધરાવતો હોવાથી તેનું રિસાયક્લિંગ મુશ્કેલ છે. આ અંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, નાના પરિવારો અને કારીગરોને રાહત આપવા માટે હોટફિક્સ કચરાના વૈજ્ઞાનિક નિકાલ અર્થે SMC આગામી સમયમાં એક અલગ પ્લોટની ફાળવણી કરે તે દિશામાં વિચારણા ચાલી રહી છે.

પદાધિકારીઓ સાથે ગહન વિચારવિમર્શ 

આ જટિલ સમસ્યાના ઉકેલ માટે મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરતના મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, કલેક્ટર તેજસ પરમાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાન અને ઝોનલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોટફિક્સ યુનિટ્સના કચરાના વ્યવસ્થાપન અને તેના પર્યાવરણ અનુકૂળ નિકાલ અંગે બેઠકમાં ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

સ્વચ્છતા અને રોજગારી વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ 

બેઠક દરમિયાન મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર આ પ્રશ્નને માત્ર વહીવટી દૃષ્ટિકોણથી નહીં, પરંતુ સંવેદનશીલતાથી જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમારો હેતુ ‘અંત્યોદય’ અને ‘સર્વસમાવેશી’ વિકાસનો છે. સ્વચ્છતા સુરતની ઓળખ છે, પરંતુ કોઈપણ નિર્ણય લેતી વખતે નાના માણસની આજીવિકા પર અસર ન પડે તે જોવાની અમારી જવાબદારી છે.” સરકારે સ્વચ્છતા અને રોજગારી બંને વચ્ચે સંતુલન જાળવીને વ્યવહારુ ઉકેલ લાવવાની ખાતરી આપી છે.