રાજ્યભરમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન કરાયું હતું. લોકોએ ગણેશ વિસર્જન કરી બાપાને ભાવભીની વિદાય આપી હતી. જોકે, આ વિસર્જન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ડૂબી જવાથી કેટલાક લોકોના કરુણ મોત પણ નિપજ્યા છે.
અમદાવાદ, વડોદરા, અને સુરતમા ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું. સુરતના હજીરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણેશ વિસર્જન કર્યુ હતું.
ડાંગ જિલ્લાનાં અનેક ગામડાઓમાં ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાઓનુ વાજતે ગાજતે વિસર્જન કરવામા આવ્યુ. વઘઇમાં સાંસદ ધવલ પટેલે હાજરી આપી હતી. વલસાડ શહેરમા ઓરંગા નદીના કિનારે વિસર્જન માટે 450થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતા. મોડી રાત સુધીમાં 60થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયુ હતું.
મહીસાગર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 124 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ માટીમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિને ચાંદીની સુશોભિત પાલખીમાં બિરાજમાન કરીને વિસર્જન યાત્રા કાઢી વિઘ્નહર્તાનુ વિસર્જન કરવામા આવ્યું. જામનગરમા અનંત ચતુર્દશીએ 2 હજાર 679 ગણેશ મૂર્તિઓનુ વિસર્જન કરવામા આવ્યુ.
રાજુલા તાલુકાના ચાંચબંદર દરિયાકાંઠે ગણેશ વિસર્જન દરમિયાન ચાર યુવકો દરિયામાં ડૂબતા સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવકોને બચાવી લેવાયા, જ્યારે એક યુવક લાપતા થતા દરિયામાં શોધખોળ વધુ તેજ બની છે.
આ સાથે જ અમરેલીના મોટા દેવળિયા ગામે ચેકડેમમાં નાહવા પડેલા ચાર યુવકોના પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા છે. સ્થાનિક તરવૈયા અને બાબરા પોલીસની જહેમતથી ચારેય મૃતદેહનો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.