ઇરાને અમેરિકા તેની શરતો સાથે સંમત થાય તો સાત દિવસમાં હોર્મુઝ સામુદ્રધૂની ફરીથી ખોલવા અને તેના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ શરતોમાં ઇરાનના બંદરો પરની અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઇરાનના ઈંધણ વેચાણ પરના પ્રતિબંધો રદ કરવા અને લેબનોન સહિત યુદ્ધવિરામનું પાલન કરવા સહિતનો સમાવેશ થાય છે.
ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બહાર પત્રકારોને આ પ્રસ્તાવની માહિતી આપતા કહ્યું કે ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે અટકેલી વાટાઘાટો ફરી શરૂ કરાશે.
અરાઘચીએ કહ્યું કે પ્રારંભિક પગલાં પૂર્ણ થવામાં લગભગ ચારથી પાંચ દિવસ લાગશે, અને સામુદ્રધૂની છઠ્ઠા દિવસે ખોલી શકાશે. જયારે સાતમા દિવસે, પરસ્પર સંમત થયેલા વિષયો પર અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવશે.