રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની વડોદરાની એસએસજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા એસોસિએટ પ્રોફેસર તબીબ સામે શારીરિક અને માનસિક સતામણીની ગંભીર લેખિત ફરિયાદ કરવામાં આવતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કડક કાર્યવાહી કરતા તાત્કાલિક અસરથી તેમની ભાવનગર બદલી કરી દીધી છે.
આરોગ્ય મંત્રી સમક્ષ 18 જેટલા તબીબોની રજૂઆત
ગત રોજ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા વડોદરાની એસએસજી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની અચાનક મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. સંવાદ દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના R1, R2, R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 જેટલા તબીબોએ એસોસિએટ પ્રોફેસર તબીબ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથેની લેખિત રજૂઆત કરી હતી.
અશ્લીલ મેસેજ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ
રેસિડેન્ટ ડૉક્ટરોએ ડૉ. બારોટ પર શારીરિક અને માનસિક હેરાનગતિનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, તેઓ રેગિંગ કરતા હતા અને અભદ્ર મેસેજ મોકલતા હતા. કામકાજના સમય બાદ પણ અયોગ્ય માંગણીઓ કરવી, વિદ્યાર્થીઓના હોસ્ટેલના રૂમ નંબર પૂછવા અને ચાલુ ફરજ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા ચોંકાવનારા આક્ષેપો ફરિયાદમાં કરાયા છે. આ ઉપરાંત, ડૉક્ટરોને થીસીસ અને પરીક્ષામાં ફેલ કરી દેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનું લેખિત રજૂઆતમાં જણાવાયું છે.
રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: મંત્રીનો કડક સંદેશ
વિદ્યાર્થીઓની આ ફરિયાદ અને રજૂ કરાયેલા પુરાવાઓને અત્યંત ગંભીરતાથી લઈને આરોગ્ય મંત્રીએ તાત્કાલિક પગલાં લેવાના આદેશ આપ્યા હતા, જેના પગલે તબીબની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ મામલે કડક વલણ અપનાવતા મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું હતું કે, વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન તથા માનસિક શાંતિ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રેગિંગ કે શારીરિક-માનસિક શોષણ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ છે. ગુજરાતની કોઈપણ મેડિકલ શૈક્ષણિક સંસ્થામાં આવી અશિસ્ત કે હેરાનગતિ જરાય ચલાવી લેવાશે નહીં અને દોષિતો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.