પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ગીર સોમનાથ સ્થિત દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દર્શનાર્થીઓ માટે વહેલી સવારે 3 વાગ્યાથી મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા અને ઉત્તમ વ્યવસ્થા વચ્ચે હજારો ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
વહેલી સવારથી જ ભક્તિનો અનોખો માહોલ
શ્રાવણ મહિનાના અંતિમ સોમવારનું અનેરું ધાર્મિક મહત્વ હોવાથી, વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકો સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા. ભક્તોના ધસારાને પહોંચી વળવા અને દર્શનમાં સરળતા રહે તે હેતુથી વહેલી સવારે 3 વાગ્યાથી જ મંદિર પરિસરના પ્રવેશદ્વાર ખોલી દેવાયા હતા. ત્યારબાદ બરાબર સવારે 4 વાગ્યાથી મહાદેવના દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સઘન સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ભક્તો અત્યંત શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઊભા રહીને દર્શનનો લાભ લઈ રહ્યા છે.
‘હર હર મહાદેવ’ ના નાદથી ગુંજી ઉઠ્યું પ્રભાસ તીર્થ
શ્રાવણના આ અંતિમ સોમવારે ભોળાનાથની નિશ્રામાં આવેલા શ્રદ્ધાળુઓ શિવધૂન અને ભક્તિમાં સંપૂર્ણપણે લીન જોવા મળ્યા હતા. ભક્તોના શિવનામના જાપથી સમગ્ર સોમનાથ મંદિર તેમજ આજુબાજુનું પ્રભાસ તીર્થ ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો અપાર આસ્થા સાથે પોતાની ભક્તિનું ભાથું બાંધી રહ્યા છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્ટેમ્પેડ પ્રૂફ દર્શન વ્યવસ્થા
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અને ખાસ કરીને ભીડવાળા દિવસોમાં યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ અને સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. યાત્રિકો માટે મંદિર પરિસરમાં ક્લોકરૂમ, જૂતાઘર, વોશરૂમ અને પીવાના પાણીની પરબ જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત, ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ ‘સ્ટેમ્પેડ પ્રૂફ’ દર્શન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જેના થકી શ્રદ્ધાળુઓ કોઈપણ મુશ્કેલી વિના સુવ્યવસ્થિત રીતે દર્શન કરી શકે.