સમગ્ર દેશમાં આજે ભાઈ-બહેનના અતૂટ સ્નેહ અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં રક્ષાબંધન નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. આ અવસરે સોમનાથ મહાદેવ દાદાને રાખડીનો શણગાર કરાયો. ગુલાબ, સેવન્તી સહિતના વિવિધ પુષ્પ તેમજ કેસરી પિતામ્બરથી શોભાયમાન સોમનાથ મહાદેવના અદ્ભૂત શ્રૃંગારના દર્શનનો લ્હાવો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી.
અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શ્રાવણી પૂનમની ઉજવણી નિમિત્તે ભગવાન શામળિયાને ભક્તો દ્વારા સોનાની રાખડી અર્પણ કરવામાં આવી. આ સાથે જ ભગવાનને વિશેષ વાઘાં અને સોનાના આભૂષણનો અનોખો શણગાર કરાયો છે.
તો, ખેડાના સુપ્રસિદ્ધ તીર્થધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે કાળિયા ઠાકોરને મોતીની રાખડી ધરાવવામાં આવી છે.
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા.
છોટાઉદેપુરમાં પણ જિલ્લાની એકમાત્ર સબજેલમા બહેનોએ તેમના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી.
બીજી, દેવભૂમિદ્વારકામાં બળેવ પૂનમના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા છે. આ ઉપરાંત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત ધારણ કરાયું. વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી.
જામનગરમાં મહિલાઓએ એક રાખી ફૌજી કે નામ અભિયાન અંતર્ગત સેનાના જવાનોને રાખડી બાંધી હતી. દેશની સરહદે ફરજ બજાવતા જવાનો પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવા મહિલાઓએ અનોખી પહેલ હાથ ધરી.