સોમાલિયા અને યમનના દરિયાકાંઠે સશસ્ત્ર ચાંચિયાઓ દ્વારા 22 ભારતીય ખલાસીઓ સાથેના બે વિદેશી જહાજોનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારત સરકારે આ ગંભીર ઘટનાની નોંધ લઈને સોમાલિયાના સત્તાવાળાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભારતીય હાઈ કમિશનના જણાવ્યા મુજબ તમામ ભારતીય નાવિકો હાલ સુરક્ષિત હોવાના અહેવાલ છે.
એમટી સિબુ અને એમવી લુતુફ જહાજો હાઇજેક
પ્રાપ્ત વિગતો અનુસાર, 20 ઓગસ્ટના રોજ યમનના દરિયાકાંઠેથી લગભગ 30 નોટિકલ માઇલ દૂર એડનના અખાતમાં ઇરિટ્રિયાના ધ્વજવાળા ઓઇલ ટેન્કર ‘MT સિબુ 1’ નું ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ જહાજમાં 16 ભારતીયો સહિત કુલ 20 ક્રૂ સભ્યો સવાર છે. અગાઉ 17 ઓગસ્ટના રોજ કેમરૂનના ધ્વજવાળા અન્ય એક વ્યાપારી જહાજ ‘MV લુતુફ’ નું સોમાલિયાના પન્ટલેન્ડ દરિયાકાંઠે અપહરણ કરવામાં આવ્યું હતું. આ જહાજમાં પણ 6 ભારતીયો સહિત 10 ક્રૂ સભ્યો બાનમાં લેવાયા છે.
તમામ ખલાસીઓ સુરક્ષિત હોવાનો હાઈ કમિશનનો દાવો
આ બંને ઘટનાઓ બાદ કેન્યામાં સ્થિત ભારતીય હાઈ કમિશને સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, બાનમાં લેવાયેલા તમામ 22 ભારતીય નાવિકો સુરક્ષિત છે. મિશને સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર તેના નાવિક સમુદાયની સલામતી અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આ મામલાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે મિશન દ્વારા સોમાલિયાના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરે સંપર્ક સાધવામાં આવ્યો છે.
દરિયાઈ સુરક્ષા અંગે વિદેશ મંત્રાલયની પ્રતિબદ્ધતા
આ ઘટનાઓને પગલે નવી દિલ્હી ખાતે આયોજિત મીડિયા બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અસ્થિર અને જોખમી દરિયાઈ વિસ્તારોમાં કાર્યરત ભારતીય નાવિકોની સુરક્ષાના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે, સરકાર પોતાના દરિયાઈ સમુદાયના કલ્યાણ અને રક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.