સપ્ટેમ્બર 7, 2026 3:42 પી એમ(PM)

printer

વડનગર: શ્રાવણોત્સવમાં 108 વાદકો સાથે ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ

ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રાવણ ઉત્સવ-2026’ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ હતી. પવિત્ર શ્રાવણ માસના સોમવારે 108 ડમરુ વાદકો સાથે નીકળેલી આ યાત્રામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડમરુના નાદ સાથે નીકળેલી આ યાત્રાએ સમગ્ર વાતાવરણને શિવમય અને ભક્તિમય બનાવી દીધું હતું.

ઐતિહાસિક રાજમાર્ગો પરથી પસાર થઈ ડમરુ યાત્રા 

વડનગરના પૌરાણિક રાજમાર્ગો પર યોજાયેલી આ ડમરુ યાત્રાનો પ્રારંભ પીઠોરીથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ યાત્રા ક્રમશઃ ચતરેશ્વરી માતા, કાળા વાસુદેવ ચાચરે, પાડાપોળનો માઢ, મહીવાડો, કાળકા માતાનો માઢ અને અમતોલ દરવાજા જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએથી પસાર થઈ હતી. 108 નિષ્ણાત કલાકારો દ્વારા વગાડવામાં આવતા ડમરુના ગગનભેદી નાદ સાથે યાત્રાનું સમાપન વડનગરના આસ્થાના કેન્દ્ર સમાન સુપ્રસિદ્ધ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા શિવભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

મંત્રીઓએ પૂજા અર્ચના કરી શિવ કીટનું વિતરણ કર્યું 

યાત્રાના સમાપન બાદ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સંજયસિંહ મહીડાએ શ્રી હાટકેશ્વર મહાદેવના દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ મંત્રીઓના હસ્તે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પ્રસાદ અને વિશેષ ‘શિવ કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર અવસરે આયોજિત આ ઉત્સવે સ્થાનિક નગરજનો તેમજ દૂરોદૂરથી આવેલા પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઝાંખી પૂરી પાડી હતી.

વિવિધ વિકાસલક્ષી સ્થળોની મુલાકાત 

હાટકેશ્વર મંદિરે દર્શન કર્યા બાદ મંત્રીઓએ વડનગરના અન્ય મહત્વના સ્થળોની પણ મુલાકાત લીધી હતી. જેમાં ટ્રાન્સપોર્ટેશન હબ તરીકે વિકસિત રેલવે સ્ટેશન, ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ અને L&T સંચાલિત નરેન્દ્ર મોદી ઇન્ડસ્ટ્રીયલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, સ્થાનિક અગ્રણી નટુજી ઠાકોર સહિતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.