પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 25 વર્ષની અને સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં “સેવા સંકલ્પ અભિયાન” હાથ ધરાશે.
આ અભિયાન અંતર્ગત આજથી રાજ્યભરમાં “વડનગરથી વારાણસી સેવાયાત્રા” બાઇક રેલીનો આરંભ થશે. મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી નરેશ પટેલ નવસારીના પવિત્ર ઉનાઈ માતાજીના મંદિર ખાતેથી આ સેવાયાત્રાને પ્રસ્થાન કરાવશે.
રાજ્યના અન્ય મુખ્ય યાત્રાધામો સોમનાથ, પાવાગઢ અને શામળાજી ખાતેથી આ યાત્રા થશે. આ ચાર પવિત્ર ધામોથી નીકળેલી યાત્રા 16મીએ વડનગર પહોંચશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
યાત્રાના પ્રથમ તબક્કાના અંતે વડનગર ખાતે કળશમાં એકત્રિત પવિત્ર જળથી શ્રી હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક કરાશે. 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે 500થી વધુ સાધુ-સંતો અને 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઆરતી યોજાશે.
શ્રી અમિત શાહ અલગ-અલગ 10 રૂટ પર વડનગરથી વારાણસીની સેવાયાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. સાથોસાથ, વારાણસીથી પણ વડનગર માટે 10 કળશ યાત્રાઓ રવાના થશે. આ 20 દિવસીય સેવાકીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતી તમામ પવિત્ર નદીઓનું જળ કળશમાં સંચિત કરવામાં આવશે.
વારાણસી ખાતે યાત્રાના સમાપન સમયે આ પવિત્ર જળથી કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરીને રાષ્ટ્રના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવશે.