રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ છે. અત્યાર સુધી 193 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના ઉકાઈમાં 11 ઈચ કરતાં વધુ વરસાદ થયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત હાલોલ, કાલોલ, શહેરા, મોરવા હડફ, ઘોઘંબા અને જાંબુઘોડામાં ગાજ વીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અને લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથક તેમજ માલપુરના સજ્જનપુરા, કંપા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ ગઈકાલે સાંજે ઝાડેશ્વર, તુલસીધામ સ્ટેશનના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળા સહિત તાલુકાના કુંડળ, ટીંબલા, બેલા, રોજીદ, રામપરા, ખમીદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા બોડેલીના ચલામલી જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયું હતું.
રાજ્યભરમાં ગઇકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે હવામાન વિભાગે 15મી સપ્ટેમ્બર સુધી વરસાદ વરસવાની આગાહી કરી છે. આજે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યુ હતું.