સપ્ટેમ્બર 4, 2026 5:38 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે 5-દિવસીય BRICS તાલીમ કાર્યક્રમ યોજાશે

ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા નાણાં મંત્રાલયના FATF સેલના સહયોગથી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના લવાડ કેમ્પસ ખાતે 7 થી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન ઉભરતા જોખમો, FATF પદ્ધતિઓ અને BRICS શ્રેષ્ઠ પ્રથાઓ વિષય પર BRICS AML/CFT ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાશે.

BRICS અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ 

ભારતની BRICS અધ્યક્ષતા 2026 અંતર્ગત આ 5-દિવસીય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મની લોન્ડરિંગ (AML) અને આતંકવાદના નાણાકીય ભંડોળનો સામનો કરવા માટે BRICS સભ્ય દેશો વચ્ચે ક્ષમતા નિર્માણ અને તકનીકી સહયોગ વધારવાનો છે. નાણાકીય ગુનાના વધતા જોખમો અને આંતરરાષ્ટ્રીય નેટવર્કની જટિલતાને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમ થકી ગેરકાયદે નાણાકીય પ્રવાહને રોકવા માટે સંસ્થાકીય સહયોગ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાન પર ભાર મૂકવામાં આવશે.

નીતિ નિર્માતાઓ અને એજન્સીઓનું મંથન 

આ કાર્યક્રમમાં BRICS સભ્ય દેશોના નીતિ નિર્માતાઓ, નાણાકીય ગુપ્તચર એકમો, સુપરવાઇઝરી સત્તાવાળાઓ, કાયદા અમલીકરણ અને વિવિધ એજન્સીઓના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. તેઓ ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ, દેશની પ્રસ્તુતિઓ અને નિષ્ણાત સત્રો દ્વારા ઉભરતા નાણાકીય ગુનાઓ અને રાષ્ટ્રીય AML/CFT માળખાને વધુ મજબૂત બનાવવાના વ્યવહારિક અભિગમો પર મંથન કરશે. આ થકી BRICS સંસ્થાઓ વચ્ચે પીઅર એક્સચેન્જ અને પ્રોફેશનલ નેટવર્કને વેગ મળશે.

ક્ષમતા નિર્માણમાં RRU ની અગ્રેસર ભૂમિકા 

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ વિશ્વની પ્રથમ સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા શિક્ષણ, સંશોધન અને તાલીમ ઇકોસિસ્ટમ છે. યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં 85 દેશોના 2000 થી વધુ સહભાગીઓ માટે 61 વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો યોજીને વૈશ્વિક સ્તરે ક્ષમતા નિર્માણમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં દીક્ષાંત સમારોહમાં માનનીય નાણામંત્રીએ પણ ડોમેન નિષ્ણાતો દ્વારા આંતરિક, રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા ક્ષેત્રે RRU ની ભૂમિકાની સરાહના કરી હતી.