સપ્ટેમ્બર 15, 2026 7:27 પી એમ(PM)

printer

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું, સંરક્ષણ દળો, સંશોધન અને વિકાસ સંસ્થાઓ તથા ઉદ્યોગવચ્ચે અડચણ વગરના સહકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સંરક્ષણ દળો, સંશોધન અને વિકાસ સંસ્થાઓ તથા ઉદ્યોગ વચ્ચે અડચણ વગરના સહકાર દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય છે. તેમણે ભારતની સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત કરવા તથા ટેક્નોલૉજીને અપનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા વધુને વધુ સંવાદ તથા વિકાસ અને ઉત્પાદનના સંયુક્ત પ્રયાસનું આહ્વાન કર્યું. નવી દિલ્હીમાં DRDO – ઇન્ડસ્ટ્રી સિનર્જી મિટ “વિમર્શ”માં શ્રી સિંહે કહ્યું, D.R.D.O.-એ મિસાઈલથી લઈ રડાર સુધી, યુદ્ધ વિમાનોથી લઈ સબમરીન સુધી, ઇલેક્ટ્રૉનિક વૉરફેર સિસ્ટમથી લઈ કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. સુધીના દરેક ક્ષેત્રમાં ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે.

શ્રી સિંહે કહ્યું, છેલ્લા ઘણા વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રમાં કરાયેલા પરિવર્તન નોંધપાત્ર છે અને ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. તેમાં સકારાત્મક સ્વદેશીકરણ યાદી, મેક ઇન ઇન્ડિયા પહેલ, I.D.E.X. અદિતિ તથા સંરક્ષણ સંશોધન અને વિકાસ બજેટની 25 ટકા રકમ ખાનગી ક્ષેત્ર માટે ફાળવવાનો નિર્ણય સામેલ છે. શ્રી સિંહે કહ્યું, આ ઉકેલ ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આયાત પર નિર્ભર ન રહે અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે એ સુનિશ્ચિત કરવા માટે કરાયા છે.

સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSME ભારતીય અર્થતંત્રની કરોડરજ્જૂ છે. ઉપકરણો, જરૂરી સેવાઓ તથા અન્ય પ્રણાલિઓમાં તેનું મહત્વનું યોગદાન છે. તેમણે કહ્યું, આ ઉદ્યોગોએ ગુણવત્તા, સમયસર પૂરવઠા, નવીનતા અને વૈશ્વિક માપદંડો પર સતત ધ્યાન આપવું પડશે. તેમણે મોટી કંપનીઓ સાથે ભાગીદારી વધારવી પડશે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું, ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની નવી લહેર ઉભરી રહી છે. તેમણે કહ્યું, આ સ્ટાર્ટઅપ માત્ર નવીનતા જ નથી લાવી રહ્યા, પરંતુ ઝડપથી કામ કરવામાં પણ સક્ષમ છે અને સંરક્ષણ ઉત્પાદનના પરંપરાગત મૉડેલમાં પણ પરિવર્તન લાવી રહ્યા છે.  આ પ્રસંગે અત્યાધુનિક પ્રણાલિઓના વાણિજ્યિક ઉત્પાદનમાં સક્ષમ બનાવવા 13 કંપનીઓને ટેક્નોલૉજી ટ્રાન્સફર કરવા નવ સમજૂતી કરાર કરાયા.