‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત રાજકોટમાં ‘વિરાસતથી વિકાસ-2026’ લોકમેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રિ-સ્તરીય મેગા પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ પ્રજેશ સોલંકીના જણાવ્યા અનુસાર, આ લોકમેળા દરમિયાન 2થી 6 સપ્ટેમ્બર સુધી 290 જેટલા સફાઈ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં રાત-દિવસ કાર્યરત રહેશે. મેળો પૂર્ણ થયા બાદ પણ 7 થી 13 સપ્ટેમ્બર દરમિયાન 120 કર્મીઓ રેસકોર્સ ગ્રાઉન્ડની સફાઇ કરવામાં આવશે અને કચરાના નિકાલ માટે 25 થી 30 ટીપર વેન, જેસીબી અને ડમ્પર તૈનાત રહેશે. આ ઉપરાંત નાટક, ગીત-સંગીત અને એલઈડી સ્ક્રીન દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવાશે.
ઉલ્લેખનીય છે કે, આ લોકમેળામાં પહેલીવાર ભારતીય નૌ સેનાનું બેન્ડ દેશભક્તિનો સૂર રેલાવશે. તારીખ 2 અને 3 સપ્ટેમ્બરે નેવી બેન્ડ દ્વારા વિવિધ 13 જેટલી સંગીતની ધૂનો રજૂ કરાશે.