સપ્ટેમ્બર 7, 2026 7:40 પી એમ(PM)

printer

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં રેલવે પ્રોજેક્ટ્સની પ્રગતિની આપી માહિતી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ એરપોર્ટ ખાતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આગામી 8 સપ્ટેમ્બર 2026 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને ₹35,000 કરોડથી વધુના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે, જે ગુજરાત સહિત દેશના માલવાહક અને પેસેન્જર પરિવહન ક્ષેત્રને નવી ગતિ પ્રદાન કરશે.

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનશે પરિવહનની કરોડરજ્જુ 

રેલવે મંત્રીએ જણાવ્યું કે, ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દેશના પરિવહન ક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે અને હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યો છે. વર્ષ 2014 પછી આ પ્રોજેક્ટને અદભુત ગતિ મળી હતી. હવે JNPT થી દાદરી સુધીનો વેસ્ટર્ન કોરિડોર અને લુધિયાનાથી સોનનગર સુધીનો ઇસ્ટર્ન કોરિડોર તૈયાર છે. પ્રધાનમંત્રી ખાસ કરીને તાજેતરમાં પૂર્ણ થયેલા 3 સેક્શન રાષ્ટ્રને સમર્પિત કરશે અને વેસ્ટર્ન કોરિડોર પર 4 નવી ફ્રેટ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

રતલામ-વડોદરા ફોર લાઇનિંગ અને અન્ય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ 

ભૂતકાળમાં હાઇવેના સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટની જેમ જ, હવે રેલવેના 7 પ્રમુખ કોરિડોરની ક્ષમતા વધારવા માટે ફોર લાઇનિંગનું કાર્ય થઈ રહ્યું છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી રતલામ-વડોદરા રેલમાર્ગના ફોર લાઇનિંગ કાર્યનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત, વડોદરા-રતલામ 3જી અને 4થી લાઇન, મિયાગામ કરજણ-ચોરંદા-માલસર ગેજ કન્વર્ઝન અને વિશ્વામિત્રી-ડભોઈ ડબલિંગ લાઇનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. સાથે જ, જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરી ટાંડા રોડથી વડોદરા (પ્રતાપનગર) નવી પેસેન્જર ટ્રેનનો પ્રારંભ કરાશે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તેજ પ્રગતિ 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સંતોષ વ્યક્ત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, વાપીથી સુરત સુધીનું સિવિલ કન્સ્ટ્રક્શન ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આગામી વર્ષ માટે સુરત-બિલીમોરા સેક્શનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનના કોચનું નિર્માણ પણ ઝડપથી ચાલી રહ્યું છે અને પરીક્ષણ માટેનો પ્રથમ કોચ તૈયાર થઈ ચૂક્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવતા વર્ષે દેશવાસીઓ આ હાઈસ્પીડ ટ્રેન સેવાનો લાભ લઈ શકશે.