ઓગસ્ટ 27, 2026 3:19 પી એમ(PM)

printer

રેલવે બ્રિજ પર ફસાયેલા ઊંટને બચાવવા લોકોપાઈલટે લગાવી ઇમરજન્સી બ્રેક, અકસ્માત ટળ્યો

વાંસજાળિયા-રાણાવાવ રેલવે ટ્રેક પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સહેજ માટે ટળી હતી. દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના લોકોપાઇલટે ટ્રેક પર એક ઊંટને બેઠેલું જોતાં ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન ઊભી રાખી દીધી હતી. રેલવે તંત્ર દ્વારા ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ઊંટને સહીસલામત બહાર કાઢીને ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.

અંધારામાં લોકોપાઇલટની સતર્કતાથી બચ્યો જીવ 

પ્રાપ્ત વિગતો અનુસાર, 27 ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે 04:30 વાગ્યે ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ વાંસજાળિયા નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે લોકોપાઇલટ કાલિદાસ અને સહાયક લોકોપાઇલટ જગદીશ સાહુની નજર બ્રિજ નંબર 95 પર પડી, જ્યાં ટ્રેકની બરાબર વચ્ચે એક ઊંટ બેઠેલું હતું. અંધારું હોવા છતાં લોકોપાઇલટે ગજબની સતર્કતા દાખવી તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી હતી અને ટ્રેનને સુરક્ષિત અંતરે ઊભી રાખી દીધી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે ઊંટ બ્રિજના ભાગમાં ખરાબ રીતે ફસાયેલું હતું.

ક્રેનની મદદથી 4 કલાક ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન 

આ ઘટનાની જાણ તાત્કાલિક ટ્રેન મેનેજર એસ. પી. મીણા, રેલવે કંટ્રોલ અને વાંસજાળિયા સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટને કરવામાં આવી હતી. મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્માના નિર્દેશ અનુસાર રેલવેની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઊંટને સુરક્ષિત બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી આશરે 08:45 વાગ્યે ઊંટને જીવંત અને સહીસલામત ટ્રેક પરથી હટાવી લેવાયું હતું અને રેલવે ટ્રાફિક પુનઃ શરૂ કરાયો હતો.

સુરક્ષાના કારણોસર 2 ટ્રેનો રદ કરાઈ, 4 ટ્રેનો મોડી પડી 

આ ઘટના અને લાંબા રેસ્ક્યુ ઓપરેશનને કારણે રેલવે ટ્રાફિકને અસર પહોંચી હતી. સુરક્ષાના કારણોસર ટ્રેન નંબર 59214 પોરબંદર-ભાણવડ અને ટ્રેન નંબર 59213 ભાણવડ-પોરબંદર પેસેન્જર ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવી પડી હતી. જ્યારે ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર 4 કલાક 32 મિનિટ, ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ 3 કલાક 15 મિનિટ, ટ્રેન નંબર 59557 પોરબંદર-ભાવનગર 2 કલાક 43 મિનિટ અને ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર 55 મિનિટ મોડી દોડી હતી.

ડીઆરએમ દ્વારા કર્મચારીઓની કામગીરીની પ્રશંસા 

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ લોકોપાઇલટ અને સહાયક લોકોપાઇલટની સતર્કતાની પ્રશંસા કરી હતી. સાથે જ મૂંગા પ્રાણીનો જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ત્વરિત અને સંવેદનશીલ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. રેલવે માટે સતર્કતા અને સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.