સપ્ટેમ્બર 5, 2026 1:25 પી એમ(PM)

printer

દમણની શિક્ષિકા પૂર્ણિમા પટેલને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મળ્યો

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશભરના 82 ઉત્કૃષ્ટ શિક્ષકોને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા. આ યાદીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનું ગૌરવ વધારતા દમણની દલવાડા સરકારી શાળાના શિક્ષિકા પૂર્ણિમા મોહનલાલ પટેલને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની આ રાષ્ટ્રીય સિદ્ધિથી તેમના પરિવાર અને સાથી શિક્ષકોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે.

શિક્ષણને પાઠ્યપુસ્તકથી આગળ લઈ જવાનો પ્રયાસ 

દમણની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (દલવાડા) માં ફરજ બજાવતા પૂર્ણિમા પટેલ માટે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી. પ્રાથમિક સ્તરે વિવિધ વિષયો ભણાવવાની સાથે તેઓ વિદ્યાર્થીઓમાં ભણતર પ્રત્યે રુચિ કેળવવાનો અને તેમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવાનો સતત પ્રયાસ કરે છે. અભ્યાસ ઉપરાંત, તેઓ વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપે છે. ખાસ કરીને કિશોરાવસ્થામાં પ્રવેશતી બાળાઓને માસિક ધર્મ અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી આપી, તેમને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં પૂર્ણિમાબેને અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે.

વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડ્યો 

દમણ એક મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પરિવારો મોટી સંખ્યામાં રોજગારી અર્થે વસવાટ કરે છે. વારંવાર થતા સ્થળાંતરને કારણે આવા પરિવારોના બાળકોમાં અધવચ્ચેથી શાળા છોડી દેવાની (ડ્રોપઆઉટ) ગંભીર સમસ્યા ઊભી થતી હોય છે. આ સમસ્યાને નાથવા માટે પૂર્ણિમા પટેલે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. તેઓ સીધા જ વાલીઓના ઘરે પહોંચીને તેમની સાથે વાતચીત કરી બાળકોને શિક્ષણ સાથે જોડાયેલા રાખવાના અથાક પ્રયાસો કરે છે. તેમના આ જમીની સ્તરના કાઉન્સેલિંગના કારણે શાળાના ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મોટી સફળતા મળી છે.

સ્થાનિક શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ સિદ્ધિ 

દેશના 27 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના 6 સંગઠનોમાંથી કાળજીપૂર્વક પસંદ કરાયેલા શિક્ષકોની આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવવું એ દમણ માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીઓ પ્રત્યેનું સમર્પણ અને સમાજલક્ષી કાર્ય અભિગમ તેમને એક આદર્શ શિક્ષક બનાવે છે. પૂર્ણિમા પટેલને મળેલું આ સન્માન આગામી સમયમાં અન્ય શિક્ષકો અને સ્થાનિક શૈક્ષણિક વ્યવસ્થા માટે એક મોટી પ્રેરણા બની રહેશે.