ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને પાદરા તાલુકાની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના આગમનને અનુલક્ષીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુલાકાત સુચારુ, સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને વહીવટી અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
MSU ના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને એનાયત કરશે પદવી
સત્તાવાર કાર્યક્રમ અનુસાર, રાષ્ટ્રપતિ 23 સપ્ટેમ્બરે સવારે 11:40 કલાકે ઐતિહાસિક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) ના વાર્ષિક પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ યુનિવર્સિટીના તેજસ્વી છાત્રોને પદવીઓ એનાયત કરશે. આ ગરિમાપૂર્ણ પ્રસંગને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કેમ્પસ તેમજ આસપાસના સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વહીવટી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
પાદરા ખાતે બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
યુનિવર્સિટીના કાર્યક્રમ બાદ, રાષ્ટ્રપતિ બપોરે 3:45 કલાકે પાદરા ખાતે તાજપુરા રોડ પર આયોજિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઈને કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, વીવીઆઈપી આગમન-પ્રસ્થાનના માર્ગો અને વાહન પાર્કિંગ સહિતની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓની તંત્ર દ્વારા ઝીણવટભરી તૈયારીઓ ચાલી રહી છે.
કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું
રાષ્ટ્રપતિની મુલાકાતની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા તથા પ્રાંત અધિકારી ઐશ્વર્યા દૂબેએ પાદરા ખાતે કાર્યક્રમ સ્થળનું જાત-નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થળ પર ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને આદેશો આપ્યા હતા.
જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રપતિના આગમન ટાણે પ્રોટોકોલ, ઝીરો-એરર સિક્યોરિટી અને સુગમ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.