સપ્ટેમ્બર 8, 2026 2:44 પી એમ(PM)

printer

વાહ… મારું વડોદરા : સ્વચ્છતા અભિયાનની PM મોદીએ કરી પ્રશંસા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત પહેલા વડોદરા શહેરમાં હાથ ધરવામાં આવેલી ‘સ્વચ્છતા સે સ્વાગત’ ઝુંબેશની અને તેમાં જોડાયેલી વિશાળ જનભાગીદારીની ભારે પ્રશંસા કરી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આયોજિત ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા તેમણે નાગરિકોના સ્વચ્છતા પ્રત્યેના લગાવને બિરદાવ્યો હતો અને આગામી તહેવારો દરમિયાન પણ આ અભિયાન અવિરત ચાલુ રાખવા વિનંતી કરી હતી.

‘મારી છાતી ગર્વથી ફૂલી ગઈ – વાહ મારું વડોદરા’ 

પીએમ મોદીએ તેમના આગમન પૂર્વે નાગરિકો દ્વારા હાથ ધરાયેલા સફાઈ અભિયાન અંગે હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે, “હું ગઈકાલે એક વીડિયો જોઈ રહ્યો હતો. મારી છાતી ગર્વથી ફૂલી ગઈ — વાહ, મારું વડોદરા !” તેમણે આ કાર્યને ‘સેવા-લક્ષી સ્વાગત’ ગણાવીને વડોદરાવાસીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું કે આ અભિયાને સમગ્ર વડોદરાના પરિવારોમાં સ્વચ્છતાલક્ષી સુંદર વાતાવરણ ઊભું કર્યું છે.

ગણેશોત્સવ અને દિવાળીમાં શહેરને સ્વચ્છ રાખવા સંકલ્પ 

આગામી ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળીના તહેવારોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ નાગરિકોને આ કામચલાઉ ઝુંબેશને કાયમી આદત બનાવવાની હાકલ કરી હતી. તેમણે ગુજરાતીમાં અપીલ કરતા કહ્યું કે, “હવે ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણે વડોદરાને ફરીથી ગંદુ થવા દઈશું નહીં. મને લાગે છે કે જ્યારે આ વખતે ગણેશજી આવશે, ત્યારે વડોદરા પર તમામ આશીર્વાદ વરસશે.”

જનભાગીદારી થકી સફાઈ અને 20 લાખ રોપાઓનું વિતરણ 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારો, નાગરિકો, NGO અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી જાહેર જગ્યાઓ, તળાવો, બગીચાઓ અને હેરિટેજ સાઇટ્સની સઘન સફાઈ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સફાઈ ઉપરાંત વૃક્ષારોપણ અને પર્યાવરણીય જાળવણી માટે 20 લાખ રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની ડિજિટલ ટિકિટો માત્ર 1 કલાકમાં જ બુક થઈ ગઈ 

ઉલ્લેખનીય છે કે, 8 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રીએ વડોદરામાં 35,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં લોકોના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, BookMyShow પર ખુલ્યાના માત્ર 1 કલાકમાં જ તમામ બેઠકો બુક થઈ ગઈ હતી અને 42,000 થી વધુ લોકો વેઇટિંગ લિસ્ટમાં રહ્યા હતા.