સપ્ટેમ્બર 8, 2026 4:35 પી એમ(PM)

printer

વડોદરામાં સ્વચ્છતાકર્મીઓએ PM મોદીને વડનું બોન્સાઈ ભેટ આપ્યું

વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શહેરના નાગરિકો, સ્વચ્છતાકર્મી અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અનોખી અને યાદગાર ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ વિશેષ ભેટોમાં વડોદરા શહેરની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, પર્યાવરણ સંરક્ષણ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સ્પષ્ટ ઝાંખી જોવા મળી હતી.

7 હજાર સ્વચ્છતાકર્મીએ આપી બોનસાઈ વડની ભેટ 

‘મેરા શહેર, મેરી ઝિમ્મેદારી’ના સંકલ્પ સાથે વડોદરા શહેરની સ્વચ્છતા જાળવવામાં સતત કાર્યરત 7 હજાર જેટલા સ્વચ્છતાકર્મી અને ‘ક્લીન અપ વડોદરા’ અભિયાનના વોલન્ટીયર્સ દ્વારા પ્રધાનમંત્રીને વિશેષ ભેટ આપવામાં આવી હતી. તેમણે વડોદરાના નામ અને તેની ઓળખના પ્રતીક સમાન વડના વૃક્ષનું એક સુંદર બોનસાઈ પ્રધાનમંત્રીને અર્પણ કર્યું હતું. આ ભેટ શહેરની હરિયાળી અને સ્વચ્છતા પ્રત્યેની નાગરિકોની જાગૃતિ દર્શાવે છે.

હેરિટેજ સંસ્થાઓએ અર્પણ કર્યા ઇકો-ફ્રેન્ડલી ‘ગૌ-ગણેશજી’ 

‘વારસાથી ઓળખ અને વારસાથી વિકાસ’નો સંકલ્પ લઈને કાર્ય કરતી સંસ્થાના 4 પ્રતિનિધિઓ તેમજ ભારતની ઐતિહાસિક વાવ અને જળ સંરક્ષણ માટે કાર્યરત ‘રામદૂત રિસ્ટોર’ના અન્ય 4 પ્રતિનિધિઓ પણ આ સન્માન સમારોહમાં જોડાયા હતા. આ પ્રતિનિધિઓએ પ્રધાનમંત્રીને ગાયના છાણમાંથી વિશેષ રૂપે તૈયાર કરાયેલી ‘ગૌ-ગણેશજી’ની મૂર્તિ અર્પણ કરી હતી. આ મૂર્તિ ગૌવંશ સંવર્ધન અને પર્યાવરણને અનુકૂળ (ઈકો-ફ્રેન્ડલી) સંસ્કૃતિ અપનાવવાનો ઉત્તમ સંદેશ પૂરો પાડે છે.

આશા વર્કર બહેનો દ્વારા મધુબની પેઇન્ટિંગની ભેટ 

શહેરની આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પણ પ્રધાનમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરીને પોતાની કલા રજૂ કરી હતી. આ બહેનો દ્વારા વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના પ્રતીકરૂપ ‘વડના ઝાડ’ની થીમ પર પોતાના હાથે તૈયાર કરાયેલું એક આકર્ષક મધુબની પેઇન્ટિંગ પ્રધાનમંત્રીને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.