સપ્ટેમ્બર 8, 2026 6:25 પી એમ(PM)

printer

PM મોદીએ વડોદરામાં ₹35,000 કરોડના વિકાસ કાર્યો લોકાર્પિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે તેમણે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 3 મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરીને ભારતની પરિવહન અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાને એક નવી ઐતિહાસિક ભેટ આપી છે.

નવી માલગાડીઓ અને પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ 

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ન્યુ સાણંદ, ન્યુ મકરપુરા, ન્યુ ઉમરગામ અને ન્યુ JNPT થી નવી ફ્રેટ ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ, મધ્યપ્રદેશના અલીરાજપુર જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડતી ટાંડા રોડ અને વડોદરા વચ્ચેની નવી પેસેન્જર ટ્રેન સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આદિવાસી પંથક માટે એક મોટી સુવિધા બની રહેશે.

‘ફ્રેટ કોરિડોર 21મી સદીના ભારતની જીવાદોરી છે’: પીએમ મોદી 

વિશાળ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ 2,800 કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની પૂર્ણતાને 21મી સદીના ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટની કલ્પના વર્ષ 2006 માં કરવામાં આવી હતી, પરંતુ તે વર્ષો સુધી નિષ્ક્રિય રહ્યો. જોકે, છેલ્લા એક દાયકામાં થયેલા ઝડપી અમલીકરણે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પેસેન્જર અને માલવાહક ટ્રાફિકને અલગ કરવાથી ટ્રેનોની કાર્યક્ષમતા વધી છે, મુસાફરીનો સમય ઘટ્યો છે અને ઇંધણની બચતથી પર્યાવરણને પણ ફાયદો થઈ રહ્યો છે.

રેલવે, હાઇવે અને ગુજરાત સરકારના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ 

માળખાગત સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે આ કાર્યક્રમમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં ₹9,700 કરોડના ખર્ચે 3 રેલવે વિસ્તરણ પ્રોજેક્ટ્સ અને ₹1,780 કરોડના ખર્ચે 3 નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તદુપરાંત, કડાણા ડેમ ખાતે 110 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ અને PMAY આવાસ યોજના સહિત ગુજરાત સરકારના ₹2,600 કરોડના અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરાયું હતું.

નવસારીમાં AI સક્ષમ હાઇ-ટેક કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન 

વડોદરાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીની પણ મુલાકાત લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર, પીએમ મોદી નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ અને હાઇ-ટેક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.