પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત સલામત, સુરક્ષિત, શાંતિપૂર્ણ અને ટકાઉ અવકાશ ક્ષેત્રને સમર્થન આપે છે. તેમણે કહ્યું, અવકાશ ગતિવિધિ આંતરરાષ્ટ્રીય કાયદા, સંવાદ અને બહુપક્ષીય સહયોગ પર આધારિત હોવી જોઈએ. આજે પેરિસમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સંમેલનમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં તેમણે જણાવ્યું, વૈજ્ઞાનિક આંકડાઓનો ઉપયોગ પારદર્શક અને પ્રામાણિકતા સાથે સામાન્ય હિત માટે હોવો જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતનો અભિગમ વસુધૈવ કુટુમ્બકમમાં મૂળ ધરાવે છે. તેમણે કહ્યું કે, ભારતની અવકાશ યાત્રા આ ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે. દેશની અવકાશ યાત્રાના નોંધપાત્ર વિકાસ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ કહ્યું કે ચંદ્રયાન-3 એ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનાવ્યો અને આદિત્ય-L1 સૂર્યના રહસ્યો ખોલી રહ્યું છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે એક ભારતીયે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, ભારત 2035 સુધીમાં એક ભારતીય અવકાશ મથક સ્થાપિત કરવાનું અને 2040 સુધીમાં એક ભારતીયને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય રાખે છે.