ઓગસ્ટ 30, 2026 2:58 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ મહેલમાં યોજાઈ રહેલી આ બેઠક દરમિયાન બંને નેતાઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના બહુમુખી સહયોગની વ્યાપક સમીક્ષા કરી રહ્યા છે.

વાટાઘાટોમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા, શિક્ષણ તેમજ લોકો વચ્ચેના સંબંધો સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ રહી છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા અને પરસ્પર સહકારના નવા ક્ષેત્રો વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવા માટે સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.

આજે પ્રધાનમંત્રી મોદીએ સૌપ્રથમ યોગ ફેડરેશન ઓફ ઉઝબેકિસ્તાન દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિના મહેલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોનો પ્રારંભ થયો હતો.