ઓક્ટોબર 30, 2026 8:38 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે – આજે બનાસકાંઠામાં 14 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે બનાસકાંઠામાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેઓ પીએમ-કિસાન હેઠળ 19 હજાર કરોડ રૂપિયાનો 24મો હપ્તો પણ જારી કરશે.  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસના પહેલા દિવસે આજે બનાસકાંઠામાં ભારત ગૌવંશ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કેન્દ્ર ગૌવંશ સંવર્ધન, જેનેટિક અપગ્રેડેશન અને અદ્યતન રિપ્રોડક્ટિવ ટેક્નોલોજીને મજબૂત બનાવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે બાયો સીએનજી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસ ડેરીને પશુઓનું છાણ વેચીને દર મહિને વધારાના 30 હજાર રૂપિયા કમાતા ડીસાના શેરપુરા ગામના ડેરી ખેડૂત વીણાબેન દિનેશજી ચૌધરી સાથે વાતચીત કરશે. ડેરી સહકારી આ છાણ એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદે છે, અને તેનો ઉપયોગ બાયો-CNG ઉત્પન્ન કરવા માટે કરે છે. જેનાથી ખેડૂતોને આવકનો બીજો સ્ત્રોત મળે છે અને તેમને પશુ સંબંધિત ખર્ચાઓનું સંચાલન કરવામાં મદદ મળે છે.

ત્યારબાદ શ્રી મોદી અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ફેઝ-2A વિમાનમથક વિસ્તરણ અને ફેઝ-2B ગિફ્ટ સિટી વિસ્તરણના કામનું ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અંદાજે 2,600 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ-મહેસાણા રોડને ચાર લેનમાંથી આઠ લેનમાં અદ્યતન કરવા અને મજબૂત કરવાના કામનું તેમજ 4,030 નવા બાળ સહજ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી કૃષિ માળખાકીય સુવિધા ભંડોળ પૂર્ણ થયેલી 521 પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે.

ત્યારબાદ સાંજે શ્રી મોદી એકતાનગર ખાતે આગામી 15 નવેમ્બર સુધી યોજાનારા ‘ભારત પર્વ 2026′નું ઉદ્ઘાટન કરશે તેમજ ‘એકતા પ્રકાશ પર્વ અને નર્મદા મહાઆરતીમાં સહભાગી થશે. 

પ્રધાનમંત્રી આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ભાગ લેશે. આ વર્ષની પરેડમાં ડાબેરી ઉગ્રવાદ સામે લડવામાં સુરક્ષા દળોની સિદ્ધિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી એકતા નગર ખાતે 400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.