ઓગસ્ટ 29, 2026 2:18 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની ચાર દિવસની મુલાકાતે જવા રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની ચાર દિવસની મુલાકાત માટે રવાના થયા છે.

પ્રસ્થાન પૂર્વે તેમના નિવેદનમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝ ગણરાજ્યની તેમની મુલાકાત મધ્ય એશિયામાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને આ ક્ષેત્ર સાથે સભ્યતા સંબંધોને ગાઢ બનાવશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત-ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ સાથે વેપાર અને રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ વિકસિત ભારત અને યુવા ઉઝબેકિસ્તાનના સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા અંગે ચર્ચા કરશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે શાસ્ત્રી સ્મારક અને મહાત્મા ગાંધી કેન્દ્રની પણ મુલાકાત લેશે. તેમણે નોંધ્યું હતું કે આ કેન્દ્રો બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ કિર્ગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ સદિર ઝાપારોવના આમંત્રણ પર બિશ્કેકમાં 26મા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ સુરક્ષા, જોડાણ અને તક પર આધારિત પ્રદેશ માટેના ભારતના વિઝનને આગળ વધારવા અને આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદથી મુક્ત પ્રદેશ માટે અન્ય SCO સભ્ય દેશો સાથે કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રી 6ઠ્ઠી વિશ્વ નોમાડિક રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે.