કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનના 26મા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે આતંકવાદની ઇકોસિસ્ટમને જડમૂળથી ઉખાડી ફેંકવા આહ્વાન કર્યું હતું. આ સંમેલનમાં SCO ની 25મી વર્ષગાંઠ નિમિત્તે સભ્ય દેશો દ્વારા ઐતિહાસિક ‘બિશ્કેક ઘોષણાપત્ર’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આતંકવાદની ઇકોસિસ્ટમને તોડી પાડવા હાકલ
શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સભ્ય દેશોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદી ભંડોળ, ભરતી, કટ્ટરપંથીકરણ અને આતંકીઓને મળતા સલામત આશ્રયસ્થાનોની સમગ્ર ઇકોસિસ્ટમને તોડી પાડવી અત્યંત જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આતંકવાદના મુદ્દે વિશ્વમાં બેવડા ધોરણો માટે કોઈ જ સ્થાન હોઈ શકે નહીં.
યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી: પીએમ મોદી
વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો અને તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતા નરેન્દ્ર મોદીએ શાંતિનો સંદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે યુદ્ધો અને સંઘર્ષોથી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં. વૈશ્વિક સ્તરે તમામ પ્રકારના વિવાદો માત્ર પરસ્પર વાતચીત અને રાજદ્વારી માધ્યમો દ્વારા જ ઉકેલવા જોઈએ.
25મી વર્ષગાંઠે ‘બિશ્કેક ઘોષણાપત્ર’ પર હસ્તાક્ષર
આ મહત્વપૂર્ણ સંમેલન બાદ SCO સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ સંગઠનની 25મી વર્ષગાંઠ નિમિત્તે ‘બિશ્કેક ઘોષણાપત્ર’ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત, સંગઠનના સંસ્થાકીય માળખામાં સુધારો લાવવા અને આધુનિક સુરક્ષાના જોખમોનો મજબૂતીથી સામનો કરવા માટે વિવિધ ઠરાવોના એક વિશાળ પેકેજ પર પણ મહોર મારવામાં આવી હતી.
સાર્વભૌમત્વના સન્માન સાથે જ કનેક્ટિવિટીનો સ્વીકાર
વ્યાપાર અને કનેક્ટિવિટી અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત બજારોને જોડતા, વેપારને સરળ બનાવતા અને વિકાસના નવા માર્ગો ખોલતા તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે. જોકે, તેમણે એક મહત્વની શરત મૂકતા ભારપૂર્વક કહ્યું કે આવા કોઈપણ પ્રયાસોમાં તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન થવું અનિવાર્ય છે.
ભારતમાં યોજાશે પ્રથમ ‘SCO સભ્યતા સંવાદ મંચ’
પોતાના સંબોધનના અંતમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે ‘શાંઘાઈ સહયોગ સંગઠન સભ્યતા સંવાદ મંચ’ ની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે ખુશી વ્યક્ત કરી કે આ મંચનું પ્રથમ સત્ર આ વર્ષે ભારતમાં જ આયોજિત કરવામાં આવશે, જેનાથી સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક આદાનપ્રદાન વધુ મજબૂત બનશે.