પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. તેઓ તાશ્કંદ શહેરની બે દિવસની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે જેથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવી શકાય.
આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી તાશ્કંદમાં શાસ્ત્રી સ્મારકની મુલાકાત લે તેવી અપેક્ષા છે. તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્મારક એ ભારતના ત્રીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું સન્માન કરતી કાંસ્ય પ્રતિમા છે, જે શહેરના શાસ્ત્રી સ્ટ્રીટ પર સ્થિત છે. 1976 માં અનાવરણ કરાયેલ, આ સ્મારક સ્થાનિક ઉઝબેક શિલ્પકાર યાકોવ શાપિરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ સ્થળ ભારતીય પ્રવાસીઓ, રાજદ્વારીઓ અને વ્યવસાયિક મુલાકાતીઓ અહીં શ્રદ્ધાંજલિ અર્પવા આવે છે.
પ્રધાનમંત્રી મોદી તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે મહાત્મા ગાંધી સેન્ટરની પણ મુલાકાત લે તેવી અપેક્ષા છે. આ કેન્દ્ર ભારતના લોકોના સાહિત્ય, ખાસ કરીને હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના ઇતિહાસ અને વિકાસના તબક્કાઓ પર શૈક્ષણિક સંશોધનમાં કામ કરે છે, જેમાં ઉઝબેકિસ્તાન અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.