યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાઓમાં ઉમટી પડતી શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે. પટેલ દ્વારા આગામી બે મહિના સુધી તમામ રવિવારે પાવાગઢમાં વાહનોના પ્રવેશ અને ટ્રાફિક નિયમન માટે એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમો આગામી 19 ઓક્ટોબર 2026 સુધીના તમામ રવિવારના દિવસો માટે અમલમાં રહેશે.
માચી જવા માટે ખાનગી વાહનોને માત્ર 45 ટોકન અપાશે
નવા નિયમો અનુસાર, તળેટીથી માચી સુધી જવાના રસ્તા પર હવે માત્ર સરકારી એસ.ટી. બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓને જ અવર-જવર કરવાની મંજૂરી મળશે. ખાનગી ભારે અને હળવા વાહનો માટે માચી ખાતેના પાર્કિંગની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને એકસાથે માત્ર 45 જેટલા ટોકન ‘વહેલા તે પહેલા’ ના ધોરણે આપવામાં આવશે. જો માચી ખાતે પાર્કિંગ ફૂલ થઈ જશે, તો કોઈપણ ખાનગી વાહનને તળેટીથી ઉપર જવા દેવામાં આવશે નહીં.
ભારે વાહનો અને પશુઓના પ્રવેશ પર લદાયો પ્રતિબંધ
ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, માચીથી દુધિયા તળાવ સુધીના રસ્તા પર પશુઓ દ્વારા ચીજવસ્તુઓ કે માલસામાનનું વહન કરવા પર તેમજ પશુઓ દોરીને જનારા લોકો પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
પાર્કિંગના વધુ ચાર્જ વસૂલવા પર રોક, આવશ્યક સેવાઓને મુક્તિ
આ જાહેરનામામાંથી આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી. બસો, સરકારી ફરજ પરના વાહનો અને એમ્બ્યુલન્સ જેવી આરોગ્ય સેવાઓને ખાસ મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા ખાનગી પાર્કિંગ સંચાલકોને પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરેલા દર કરતા વધુ ચાર્જ ન વસૂલવા કડક સૂચના અપાઈ છે. સાથે જ, ખેતીની જમીન પર ખાનગી પાર્કિંગ ચલાવનારા કબજેદારોએ જરૂરી પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.