રાજ્ય સહિત દેશભરમા જૈન ધર્મના સૌથી પવિત્ર એવા પર્યુષણ મહાપર્વનો આજે અંતિમ દિવસ ‘સંવત્સરી‘ છે. આ દિવસને જૈન સમુદાય દ્વારા ક્ષમાપના પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જ્યાં લોકો વર્ષ દરમિયાન થયેલી ભૂલો માટે એકબીજાને “મિચ્છામી દુક્કડમ” કહીને હૃદયપૂર્વક માફી માંગી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન- જૈનેતરોને સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે. ભગવાન શ્રી મહાવીરના ક્ષમા, સંતોષ, સરળતા, વિનમ્રતા તેમજ કરૂણા અને જીવદયાના સિદ્ધાંતોને સમાજ જીવનમાં આત્મસાત કરનારૂં આ પર્યૂષણ પર્વ, સામાજિક સમરસતા અને માનવતાની શક્તિઓને વધુ પ્રગાઢ બનાવશે એવી શ્રદ્ધા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે.